પૅરિસ પૅરાલિમ્પિક્સના દિવ્યાંગ ભારતીય ખેલાડીઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...
વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી પૅરિસ પૅરાલિમ્પિક્સ માટે ભારતીય ટીમને શુભેચ્છા પાઠવતાં ખેલાડીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાની સાથે વડા પ્રધાન મોદીએ પહેલી વાર પૅરાલિમ્પિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓ તેમ જ ટોક્યો પૅરાલિમ્પિક્સના મેડલવિજેતાઓ સાથે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ‘તમારી યાત્રા દેશ માટે એટલી જ મહત્ત્વપૂર્ણ છે જેટલી તમારા માટે તમારી કરીઅર છે. તમે બધા ત્યાં શું મેળવો છો એની સાથે આપણા દેશનું ગૌરવ જોડાયેલું હશે. આખો દેશ તમને સાથ આપી રહ્યો છે. ૧૪૦ કરોડ ભારતીયો તમને તેમના આશીર્વાદ મોકલી રહ્યા છે. તમે વિજયી થાઓ. જેમ તમે એશિયન પૅરા ગેમ્સ અને ટોક્યો પૅરાલિમ્પિક્સમાં કર્યું હતું એમ, હું ઇચ્છું છું કે તમે બધા પૅરિસમાં નવા રેકૉર્ડ બનાવો. તમે બધા ભારતના ધ્વજવાહક તરીકે પૅરિસ જઈ રહ્યા છો. આ સફર તમારા જીવનમાં, તમારી કરીઅરની ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફર બનવાની છે.’
આ વાતચીત દરમ્યાન વડા પ્રધાને પૅરિસના સ્પોર્ટ્સ વિલેજમાં તમામ ભારતીય ખેલાડીઓ માટે બનેલા એક વિશેષ રિકવરી સેન્ટરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પૅરાલિમ્પિક્સ ૨૮ ઑગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે જેમાં ભારતના રેકૉર્ડ ૮૪ ખેલાડી મેડલ જીતવા ઊતરશે.