નીરજ ચોપડાની મમ્મીને પત્ર લખીને નરેન્દ્ર મોદીએ કહ્યું..
નીરજની મમ્મી સરોજ દેવી
દિલ્હીમાં હાલમાં જમૈકાના વડા પ્રધાનની ભારત મુલાકાત પ્રસંગે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર ક્રિસ ગેઇલ અને ભારતના જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાએ પણ હાજરી આપી હતી. આ દરમ્યાન નીરજ ચોપડાએ પોતાનું વચન પૂરું કરતાં તેની મમ્મીના હાથનો બનેલો ચૂરમો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખવડાવ્યો હતો.
વડા પ્રધાન મોદી આ સ્વાદિષ્ટ ચૂરમો ખાઈને એટલા ખુશ થયા કે તેમણે નીરજની મમ્મી સરોજ દેવીને પત્ર લખીને કહ્યું હતું કે ‘ચૂરમો ખાધા પછી હું ભાવુક થઈ ગયો. તમારા અપાર પ્રેમ અને સ્નેહથી ભરેલી આ ભેટે મને મારી મમ્મીની યાદ અપાવી. માતા શક્તિ, સ્નેહ અને સમર્પણનું સ્વરૂપ છે. સંયોગ છે કે નવરાત્રિના એક દિવસ પહેલાં મને માતા પાસેથી આ પ્રસાદ મળ્યો. હું નવરાત્રિના આ ૯ દિવસો દરમ્યાન ઉપવાસ કરું છું. એક રીતે આ ચૂરમો મારા ઉપવાસ પહેલાં મારો મુખ્ય ખોરાક બની ગયો છે. તમારા દ્વારા તૈયાર કરવામાં આવેલા ભોજનથી ભાઈ નીરજને દેશ માટે મેડલ જીતવાની ઊર્જા મળે છે એવી જ રીતે આ ચૂરમો મને આગામી ૯ દિવસ દેશની સેવા કરવાની શક્તિ આપશે.’