પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં વિનેશ સામે હારેલી જૅપનીઝ રેસલર ૮૨ ઇન્ટરનૅશનલ મૅચમાંથી આ પહેલાં તો એક પણ ફાઇટ હારી નહોતી
ગઈ કાલે ક્યુબાની રેસલરને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા પછી વિનેશ ફોગાટ
પૅરિસ ઑલિમ્પિક્સમાં ગઈ કાલે વિનેશ ફોગાટ સેમી ફાઇનલમાં ક્યુબાની હરીફને ૫-૦થી હરાવીને ઑલિમ્પિક્સમાં કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. આજે તે કુસ્તીમાં ભારતને પહેલો ઑલિમ્પિક ગોલ્ડ જિતાડવાના ટાર્ગેટ સાથે અમેરિકન કુસ્તીબાજ સામે ફાઇનલમાં ઊતરશે. ૨૦૧૬માં રિયોમાં અને ૨૦૨૦માં ટોક્યોમાં તે ક્વૉર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. સેમી ફાઇનલ પહેલાં વિનેશ ફોગાટે મહિલાઓની ૫૦ કિલોગ્રામ કૅટેગરીની કુસ્તીની ઇવેન્ટમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલાં પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં જપાનની યુઈ સુસાકીને ૩-૨થી હરાવી અને પછી ક્વૉર્ટર ફાઇનલમાં યુક્રેશનિયન કુસ્તીબાજ ઓક્સાના લિવાચને ૭-૫ની સરસાઈથી હરાવીને સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. ત્રીજી વાર ઑલિમ્પિક્સ રમી રહેલી વિનેશ ફોગાટે જપાનની યુઈ સુસાકીને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો, કારણ કે ચાર વારની વર્લ્ડ ચૅમ્પિયન અને ટોક્યો ઑલિમ્પિક્સની ગોલ્ડ મેડલિસ્ટ યુઈ સુસાકી ઇન્ટરનૅશનલ કરીઅરમાં ૮૨ મૅચમાંથી આ પહેલાં એકેય ફાઇટ હારી નહોતી.