Paris Olympics 2024: અર્શદે ૯૦ મીટરનો માર્ક બે વાર પાર કર્યો હતો અને ઑલિમ્પિક રેકૉર્ડ કર્યો હતો.
ગોલ્ડ મેડલિસ્ટ અર્શદ નદીમ અને સિલ્વર મેડલિસ્ટ નીરજ ચોપડા.
ભારતના જૅવલિન થ્રોઅર નીરજ ચોપડાને પૅરિસ ઑલિમ્પિક્સમાં જૅવલિન થ્રોમાં સિલ્વર મેડલ મળ્યો છે અને આ ગેમની ફાઇનલમાં પાકિસ્તાનના અર્શદ નદીમને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ મુદ્દે ૨૬ વર્ષના નીરજ ચોપડાએ ૨૭ વર્ષના અર્શદ નદીમના પર્ફોર્મન્સની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ૨૦૧૬ બાદ અર્શદ મારી સામે પહેલી વાર જીત્યો છે.
પૅરિસમાં નીરજ ચોપડા જૅવલિન થ્રોમાં ગોલ્ડ મેડલનો દાવેદાર હતો, કારણ કે ટોક્યોમાં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં નીરજ ચોપડાએ ૮૯.૩૪ મીટર સુધી થ્રો કરીને પ્રવેશ કર્યો હતો અને તેનો દેખાવ તેણે ૮૯.૪૫ મીટર સુધી થ્રો કરીને સુધાર્યો હતો. ટોક્યોમાં તેને ૮૭.૫૮ મીટર સુધીના થ્રોમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. જોકે અર્શદ નદીમે ઑલિમ્પિક રેકૉર્ડ કરીને ૯૨.૯૭ મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
ADVERTISEMENT
અર્શદે ૯૦ મીટરનો માર્ક બે વાર પાર કર્યો હતો અને ઑલિમ્પિક રેકૉર્ડ કર્યો હતો. એ પહેલાં ૨૦૦૮માં બીજિંગ ઑલિમ્પિક્સમાં નૉર્વેના આંદ્રેયાસ થોર્કિલ્સેને ૯૦.૫૭ મીટરનું અંતર પાર કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અર્શદે પાકિસ્તાનને ૧૯૯૨ બાદ પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ફાઇનલ અટેમ્પ્ટમાં અર્શદે ૯૧.૭૯ મીટર સુધી થ્રો કર્યો હતો. એ સિવાય વ્યક્તિગત ઑલિમ્પિક મેડલ મેળવનારો અર્શદ પહેલો પાકિસ્તાની ઍથ્લીટ બન્યો છે.
ફાઇનલ પૂરી થયા બાદ અર્શદના દેખાવ વિશે નીરજ ચોપડાએ કહ્યું હતું કે ‘અર્શદે સારો દેખાવ કર્યો હતો. તેને હું અભિનંદન આપવા માગું છું. ૨૦૧૬થી અમે બેઉ એકબીજાના પ્રતિસ્પર્ધી રહ્યા છીએ. આ પહેલી વાર છે જ્યારે તે મારી સામે જીતી ગયો છે. મારી ઇન્જરી હોવા છતાં હું મારાથી બેસ્ટ ટ્રાય કરતો રહ્યો હતો. મારો થ્રો પણ સારો હતો છતાં મારે હજી ઘણું કરવાનું બાકી છે. આને માટે મારે ફિટ રહેવું જરૂરી છે.’
નીરજ ચોપડાને ટોક્યો ઑલિમ્પિક્સમાં ૮૭.૫૮ મીટરના થ્રો માટે ગોલ્ડ મેડલ મળ્યો હતો, પણ આ વખતે ફ્રાન્સમાં એના કરતાં વધારે અંતરના પાંચ થ્રો થયા હતા. આમ મેન્સ જૅવલિન થ્રોમાં હવે સ્પર્ધા વધી રહી છે. આ મુદ્દે નીરજે કહ્યું હતું કે ‘હું હજી સુધી ૯૦ મીટર દૂર સુધી થ્રો કરવામાં સફળ નથી રહ્યો. જોકે મારા બીજા અટેમ્પ્ટમાં હું એ મેળવી શકીશ એવું મને લાગ્યું હતું. મને મારામાં વિશ્વાસ છે અને મને ખાતરી છે કે એ માઇલસ્ટોન પણ હું એક દિવસ મેળવી લઈશ. હાથમાં તિરંગા સાથે તમારા દેશ માટે મેડલ મેળવવો એ ગર્વની વાત છે. છેલ્લાં બે-ત્રણ વર્ષ મારા માટે સારાં રહ્યાં નથી. હું ઈજાગ્રસ્ત છું. મારી ઇન્જરીને કારણે હું ટ્રેઇનિંગ વખતે વધારે થ્રો કરી શક્યો નહોતો. મેં મારાથી બનતા બધા પ્રયાસ કર્યા હતા, પણ હવે મારે ઇન્જરીમુક્ત રહેવું છે અને ટેક્નિક શીખવી છે.’
બૅક-ટુ-બૅક મેડલ મેળવનારો ત્રીજો ખેલાડી
કુસ્તીબાજ સુશીલ કુમારે ૨૦૦૮માં બ્રૉન્ઝ અને ૨૦૧૨માં સિલ્વર મેડલ મેળવ્યો હતો. શટલર પી. વી. સિંધુએ રિયો અને ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ મેળવ્યા હતા. હવે નીરજ ચોપડાએ પણ ટોક્યોમાં ગોલ્ડ અને પૅરિસમાં સિલ્વર મેડલ મેળવીને સતત બે ઑલિમ્પિક્સમાં બે મેડલ મેળવવાનો રેકૉર્ડ કર્યો છે.