આજે રાત્રે નેધરલૅન્ડ્સ અને જર્મની વચ્ચે ગોલ્ડ મેડલ માટે મૅચ
સેમી ફાઇનલમાં જર્મની સામે ૩-૨થી હારી ગયા બાદ નિરાશ થઈ ગયેલા ભારતીય હૉકી પ્લેયર્સમાં ઉત્સાહ વધારી રહેલા ભારતીય ટીમના હેડ કોચ ક્રૅગ ફલ્ટન.
સેમી ફાઇનલમાં જર્મનીના હાથે મળેલી હારનું દુ:ખ ભૂલીને ભારતીય હૉકી ટીમ આજે પૅરિસ ઑલિમ્પિક્સમાં છેલ્લી વાર સ્પેન સામે ત્રીજા સ્થાન માટે રમાનારી મૅચમાં ઊતરશે. નેધરલૅન્ડ્સ સામે ૪-૦થી સેમી ફાઇનલ હારીને આવેલી સ્પેનની ટીમ આજે સાંજે ૫.૩૦ વાગ્યાથી ભારતીય ટીમ સામે બ્રૉન્ઝ જીતવાનો પ્રયત્ન કરશે. ભારતને ૩-૨થી હરાવનાર જર્મની આજે રાત્રે ૧૦.૩૦ વાગ્યાથી નેધરલૅન્ડ્સ સામે ગોલ્ડ મેડલ મૅચ રમવા ઊતરશે.
સમગ્ર ટુર્નામેન્ટમાં ચૅમ્પિયનની જેમ રમતી ભારતીય ટીમે મંગળવારે જર્મની સામે રોમાંચક મુકાબલો હારી એને પગલે ૪૪ વર્ષ બાદ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. આજે કૅપ્ટન હરમનપ્રીત સિંહની ટીમનો પ્રયાસ ટોક્યોમાં જીતેલા બ્રૉન્ઝને જાળવી રાખવાનો રહેશે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં નવ ગોલ કરનાર હરમનપ્રીતનું પ્રદર્શન પ્રશંસનીય હતું. અનુભવી ગોલકીપર પી.આર. શ્રીજેશ આજે મેડલ જીતીને હૉકીને અલવિદા કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે.