Paris Olympics 2024: ભારત માટે શૂટિંગમાં ઈતિહાસ રચનાર રમિતા જિંદાલની ફાઈનલ મેચ આવતી કાલે ૨૯ જુલાઈએ રમાશે
તસવીર સૌજન્ય : પીટીઆઇ
પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ (Paris Olympics 2024)ના બીજા દિવસે ભારતીય મહિલા શૂટર રમિતા જિંદાલ (Ramita Jindal)એ ઈતિહાસ રચી દીધો છે. રમિતા જિંદાલે ૧૦ મીટર એર રાઈફલમાં મેડલ રાઉન્ડ માટે ક્વોલિફાય કરીને ઈતિહાસ રચ્યો છે. હવે ૧૦ મીટર એર રાઈફલી ફાઈનલ મેચ આવતીકાલે ૨૯ જુલાઈએ રમાશે.
રમિતા જિંદાલ કુલ 631.5 પોઈન્ટ સાથે 60-શોટ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં પાંચમા સ્થાને રહી હતી, જ્યારે તેની સાથી ઈલાવેનિલ વાલારિવાન (Elavenil Valarivan) રાઉન્ડમાં ચૂકી ગઈ હતી. રમિતા છેલ્લા ૨૦ વર્ષમાં મેડલ રાઉન્ડમાં સ્થાન મેળવનારી બીજી મહિલા શૂટર બની છે. અગાઉ આ સિદ્ધિ મનુ ભાકર (Manu Bhaker)એ હાંસલ કરી હતી. વર્ષ ૨૦૦૪માં એથેંન્સમાં રમાયેલા ઓલિમ્પિક (Athens 2004)માં કોચ સુમા શિરુર (Suma Shirur) પછી ઓલિમ્પિક ફાઇનલમાં સ્થાન મેળવનારી રમિતા જિંદાલ પ્રથમ ભારતીય મહિલા રાઇફલ શૂટર છે.
ADVERTISEMENT
ભારતીય શૂટર રમિતા જિંદાલ મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટની ફાઈનલમાં પહોંચી ગઈ છે. રમિતાએ 60 શોટના ક્વોલિફાઈંગ રાઉન્ડમાં 631.5 પોઈન્ટ મેળવ્યા હતા અને અંત સુધી એવું લાગતું હતું કે તે ક્વોલિફાઈ કરી શકશે નહીં, પરંતુ રમિતા રેન્કિંગમાં પાંચમું સ્થાન મેળવીને મેડલ રાઉન્ડમાં પહોંચી ગઈ.
ઇલાવેનિલ પ્રથમ હાફમાં આગળ હતી, પરંતુ તેણીનું પ્રદર્શન પાછળથી બગડ્યું અને તેણી આખરે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં દસમા સ્થાને રહી. કોરિયા (Korea)ના હ્યોજિન બુને પણ 634.5 પોઈન્ટ સાથે રાઉન્ડ જીતીને ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેકોર્ડ બનાવ્યો હતો.
10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં રમિતાએ પ્રથમ બે શોટમાં 10.5 અને 10.9 પોઈન્ટ મેળવીને ત્રીજા સ્થાને શરૂઆત કરી હતી. તે જ સમયે, ઇલાવેનિલનો પ્રથમ શોટ 10.6 હતો અને તે આઠમા સ્થાને પહોંચી ગઈ હતી. પરંતુ ઈલેવેનિલ તેના ત્રીજા શોટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ, જ્યારે રમિતાની રેન્કિંગમાં ઘટાડો થવા લાગ્યો.
ઇલાવેનિલે સતત સારા શોટ્સ બનાવ્યા, જેમાં સૌથી ઓછો સ્કોર 10.4 હતો. આ સમય દરમિયાન તે પાંચમા સ્થાને હતી. રમિતાએ પ્રથમ રાઉન્ડમાં 104.3 અને બીજામાં 106, ત્રીજામાં 104.9, ચોથામાં 105.3, પાંચમામાં 105.3 અને છઠ્ઠા શ્રેણીમાં 105.7 અંક મેળવ્યા હતા. ઈલાવેનિલની પ્રથમ શ્રેણી 105.8 પોઈન્ટ સાથે સમાપ્ત થઈ અને તે ચોથા સ્થાને આવી.
હવે આ ઇવેન્ટની ફાઈનલ આવતીકાલે એટલે કે ૨૯મી જુલાઈએ રમાશે.
તમને જણાવી દઈએ કે, 20 વર્ષની રમિતા જિંદાલ ભારત માટે શૂટિંગ સેન્સેશન રહી છે, તેણે ૨૦૨૨ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાની ઓળખ બનાવી હતી. રમિતાએ ૨૦૨૨ એશિયન ગેમ્સમાં બે મેડલ જીત્યા હતા. રમિતા જિંદાલનો જન્મ હરિયાણા (Haryana)ના લાડવા શહેરમાં થયો હતો. તેણીની શૂટિંગની સફર ત્યારે શરૂ થઈ જ્યારે તે સ્થાનિક શૂટિંગ એકેડમીમાં જોડાઈ. પોતાના દૃઢ નિશ્ચય અને પ્રતિભાને કારણે તે વ્યક્તિગત અને રાજ્ય સ્તરની મેચો જીતતી રહેતી. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પોતાનું સ્થાન બનાવ્યા બાદ, તેણીએ ૨૦૨૧ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની પ્રતિભા બતાવી.