Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ભારતને મળ્યો પહેલો સિલ્વરઃ આઝાદી પછી એથ્લિટમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપડા

ભારતને મળ્યો પહેલો સિલ્વરઃ આઝાદી પછી એથ્લિટમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપડા

Published : 09 August, 2024 08:15 AM | IST | Paris
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Paris Olympics 2024: ભારતીય એથ્લિટ નીરજ ચોપરાએ પૅરિસ ઑલિમ્પિક્સમાં ૮૯.૪૫ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો, વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન

નીરજ ચોપરા (તસવીર સૌજન્યઃ એએફપી)

નીરજ ચોપરા (તસવીર સૌજન્યઃ એએફપી)


કી હાઇલાઇટ્સ

  1. પાકિસ્તાનના અરશદ નદીમે ઑલિમ્પિક્સ રેકૉર્ડ બનાવી જીત્યો ગોલ્ડ
  2. નીરજ ચોપરાનો બીજો થ્રો તેનો એકમાત્ર માન્ય થ્રો હતો
  3. વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધશે ભારતીય એથ્લિટ

ભારત (India) ના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪ (Paris Olympics 2024)માં ૮૯.૪૫ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ સિઝનમાં નીરજ ચોપરા (Neeraj Chopra)નું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સાથે નીરજ ચોપરા આઝાદી બાદ એથ્લેટિક્સમાં બે ઓલિમ્પિક મેડલ જીતનાર (Neeraj Chopra Wins Silver Medal) પ્રથમ ભારતીય એથ્લિટ બની ગયો છે.


નીરજ ચોપરાએ ટોક્યો ઑલિમ્પિક્સ (Tokyo Olympics)માં ૮૭.૫૮ મીટરના તેના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, પરંતુ તે પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪માં તેના ટોક્યો ઑલિમ્પિક્સ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો ન હતો.



પાકિસ્તાન (Pakistan)ના અરશદ નદીમ (Arshad Nadeem)એ બીજા પ્રયાસમાં ૯૨.૯૭ મીટરનો રેકૉર્ડ ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ ૧૯૯૨ના બાર્સેલોના ઑલિમ્પિક્સ (Barcelona Olympics) બાદ પાકિસ્તાનનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. ગ્રેનાડા (Grenada)નો એન્ડરસન પીટર્સ (Anderson Peters) ૮૮.૫૪ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યો.


ભારતના નીરજ ચોપરાનેને શરૂઆતથી જ અરશદ નદીમ પાસેથી સખત પડકારની અપેક્ષા હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરાએ પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪ની ફાઇનલમાં ફાઉલથી શરૂઆત કરી હતી. ભાલો ફેંક્યા બાદ નીરજ પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને લાઇનને સ્પર્શ કર્યો જેના કારણે તેના પ્રયાસને ફાઉલ જાહેર કરવામાં આવ્યો. જોકે, નીરજે ક્વોલિફિકેશનમાં તેના પહેલા જ પ્રયાસમાં ૮૯.૩૪ મીટર ફેંકીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ૮૯.૪૫ મીટર થ્રો કર્યો અને અરશદ નદીમ પછી બીજા ક્રમે આવ્યો. નીરજની કારકિર્દીનો આ બીજો અને આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ત્યારબાદ ત્રીજા પ્રયાસમાં પણ નીરજ ચોપરાએ ફાઉલ કર્યો હતો. આ પછી નીરજે આગળના ત્રણ પ્રયાસમાં ફાઉલ કર્યો. નીરજ ફાઇનલમાં માત્ર એક જ સફળ પ્રયાસ કરી શક્યો હતો. આ પહેલા નીરજે હંમેશા નદીમને ૧૦ મેચમાં હરાવ્યો હતો, પરંતુ પૅરિસ ગેમ્સની ફાઇનલમાં નદીમ શરૂઆતથી જ નીરજથી આગળ હતો.


ભલે નીરજ ચોપરા ગોલ્ડ મેડલનો સફળતાપૂર્વક બચાવ ન કરી શક્યો હોય, પરંતુ તે ઑલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજ ચોપરા પહેલા માત્ર કુસ્તીબાજ સુશીલ કુમાર (Sushil Kumar), બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ (PV Sindhu) અને શૂટર મનુ ભાકર (Manu Bhaker) આ સિદ્ધિ મેળવી શક્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪માં પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, ‘નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાચું ઉદાહરણ છે! તેણે પોતાની પ્રતિભા વારંવાર બતાવી છે. ભારત ખુશ છે કે તેને ફરી એકવાર ઓલિમ્પિકમાં સફળતા મળી છે. સિલ્વર મેડલ જીતવા બદલ તેને અભિનંદન. તે આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને આપણા દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે.’

જોકે, સ્પર્ધા પછી નિરાશા વ્યક્ત કરતાં ૨૬ વર્ષીય નીરજ ચોપરાએ કહ્યું કે, ‘તે એક સારો થ્રો હતો પરંતુ હું આજે મારા પ્રદર્શનથી એટલો ખુશ નથી. મારી ટેક્નિક અને રનવે એટલો સારો નહોતો. મેં માત્ર એક થ્રો કર્યો, બાકીના બધા ફાઉલ કર્યા. બીજા થ્રો સમયે મને વિશ્વાસ હતો કે હું પણ આટલું દૂર ફેંકી શકીશ. પરંતુ ભાલા ફેંકમાં, જો તમારો રન સારો ન હોય, તો તમે ખૂબ દૂર ફેંકી શકતા નથી. છેલ્લા બે-ત્રણ વર્ષ મારા માટે એટલા સારા રહ્યા નથી. હું હંમેશા ઘાયલ છું. મેં ખરેખર સખત મહેનત કરી, પરંતુ મારે મારી ઈજા અને ટેકનિક પર કામ કરવાની જરૂર છે.’

નોંધનીય છે કે, પૅરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪ માટેની નીરજ ચોપરાની તૈયારીઓ તેના એડક્ટર સ્નાયુઓની સમસ્યાઓને કારણે અવરોધાઈ હતી. જેના કારણે તેને ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક સહિત અન્ય ટુર્નામેન્ટમાંથી બહાર બેસવાની ફરજ પડી હતી. તેમ છતા આ ભારતીયએ સિલ્વર જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 08:15 AM IST | Paris | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK