બાવન વર્ષ બાદ આૅલિમ્પિક્સમાં બૅક-ટુ-બૅક બ્રૉન્ઝ મેડલ જીતી ભારતીય હૉકી ટીમ : ગોલકીપર પી.આર. શ્રીજેશને આપી અવિસ્મરણીય વિદાય
ગોલપોસ્ટ પર બેસીને ભારતીય ટીમ સાથે જીતની ઉજવણી કરતો ગોલકીપર પી.આર. શ્રીજેશ
પૅરિસ ઑલિમ્પિક્સમાં હૉકીમાં સ્પેનની ટીમને ૨-૧ના સ્કોરથી હરાવીને ભારતીય ટીમ સતત બીજો બ્રૉન્ઝ મેડલ જીતી હતી. ભારત તરફથી કૅપ્ટન હરમનપ્રીત સિંહે ૩૦મી અને ૩૩મી મિનિટે ગોલ કર્યા હતા. સ્પેનની ટીમે ૧૮મી મિનિટે ગોલ કર્યો હતો. ભારત માટે ૩૩૬ મૅચ રમનાર પી.આર. શ્રીજેશે આ સાથે જ ઇન્ટરનૅશનલ હૉકીમાંથી નિવૃત્તિ લીધી હતી.
ભારતીય હૉકી ટીમ બાવન વર્ષ બાદ પહેલી વાર હૉકીમાં બૅક-ટુ-બૅક બે ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલ જીતી હતી. આ પહેલાં ૧૯૬૮ અને ૧૯૭૨માં ભારતે સતત બે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. ૮ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૪ બ્રૉન્ઝ મેડલ સાથે ભારતીય ટીમ ૧૩ ઑલિમ્પિક્સ મેડલ જીતીને ઑલિમ્પિક્સની સૌથી સફળ હૉકી ટીમ બની હતી. ૧૨ મેડલ સાથે જર્મનીની ટીમ આ લિસ્ટમાં બીજા સ્થાને છે. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહે ભારતીય ટીમ માટે સૌથી વધારે ૧૦ ગોલ નોંધાવ્યા હતા. પી.આર. શ્રીજેશે આખી ટુર્નામેન્ટમાં મહત્ત્વપૂર્ણ સમયમાં ગોલ બચાવીને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો.
ADVERTISEMENT
રિટાયરમેન્ટમાંથી યુટર્ન નહીં લેશે શ્રીજેશ
કૅપ્ટન હરમનપ્રીત સિંહે બ્રૉન્ઝ મેડલ જીતી ગયા બાદ ગોલકીપર શ્રીજેશને ખભા પર ઉપાડીને આપી યાદગાર વિદાય
ભારતના સર્વશ્રેષ્ઠ ગોલકીપરોમાંના એક પી.આર. શ્રીજેશે સતત બીજો ઑલિમ્પિક બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ હૉકીમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયને બદલવાની શક્યતાને નકારી કાઢીને કહ્યું હતું કે ‘વિદાય લેવાનો આ યોગ્ય સમય છે. હું લોકોની ભાવનાઓનું સન્માન કરું છું, પરંતુ કેટલાક નિર્ણયો મુશ્કેલ હોય છે. યોગ્ય સમયે નિર્ણય લેવાથી પરિસ્થિતિ સુંદર બને છે. એથી મારો નિર્ણય બદલાશે નહીં. ટીમે શાનદાર પ્રદર્શન કરીને આ મૅચને યાદગાર બનાવી છે.’
દરેક ભારતીયનું હૉકી સાથે ભાવનાત્મક જોડાણ છે અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે. આ એવી સિદ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે. - વડા પ્રધાન નરેન્દ્ર મોદી

