શ્રીજેશે બતાવી ઑલિમ્પિક વિલેજમાં ૨૪ વર્ષની જર્ની; પૅરિસ ઑલિમ્પિક્સમાં કોવિડ-19ની એન્ટ્રી અને વધુ સમાચાર
અભિનવ બિન્દ્રા
ભારતીય શૂટર અભિનવ બિન્દ્રાને ઑલિમ્પિક્સમાં તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (IOC) દ્વારા ‘ઑલિમ્પિક ઑર્ડર’થી સન્માનિત કરવામાં આવશે. ૧૦ ઑગસ્ટે પૅરિસમાં ૧૪૨મા IOC સત્ર દરમ્યાન અવૉર્ડ સમારોહ યોજાશે. ‘ઑલિમ્પિક ઑર્ડર’ IOCનો સર્વોચ્ચ પુરસ્કાર છે જે ઑલિમ્પિક્સ ચળવળમાં વિશિષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. ૪૧ વર્ષના અભિનવ બિન્દ્રાએ ૨૦૦૮ની બીજિંગ ઑલિમ્પિકસમાં ૧૦ મીટર ઍર રાઇફલની ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ૨૦૧૦થી ૨૦૨૦ સુધી ઇન્ટરનૅશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની ઍથ્લીટ્સ કમિટીનો સભ્ય હતો જેમાં ૨૦૧૪થી તે પ્રમુખ હતો. તે ૨૦૧૮થી IOC ઍથ્લીટ્સ કમિશનનો સભ્ય છે.
શ્રીજેશે બતાવી ઑલિમ્પિક વિલેજમાં ૨૪ વર્ષની જર્ની
ADVERTISEMENT
ધ વૉલ ઑફ ઇન્ડિયન હૉકી તરીકે જાણીતા અનુભવી ગોલકીપર અને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન પરાત્તુ રવીન્દ્રન શ્રીજેશ પૅરિસ ઑલિમ્પિક્સ બાદ રિટાયરમેન્ટ લઈ રહ્યો છે. હાલમાં તેણે ઑલિમ્પિક વિલેજમાં બે સ્પેશ્યલ જર્સી બતાવીને પોતાની ૨૪ વર્ષની જર્નીને દુનિયા સામે મૂકી હતી. પહેલી જર્સી તેની બાળક તરીકે પહેલી હૉકી મૅચની હતી અને બીજી જર્સી પૅરિસ ઑલિમ્પિક્સ 2024ની ભારતીય જર્સી હતી. ભારત માટે ૩૨૮ મૅચ રમનાર ૩૬ વર્ષના શ્રીજેશ માટે હૉકી ઇન્ડિયાએ ‘વિન ઇટ ફૉર શ્રીજેશ’ અભિયાન શરૂ કર્યું છે.
પૅરિસ ઑલિમ્પિક્સમાં કોવિડ-19ની એન્ટ્રી: આૅસ્ટ્રેલિયાની મહિલા વૉટર પોલો ટીમની પાંચ ખેલાડીઓ કોરોનાગ્રસ્ત
પૅરિસ ઑલિમ્પિક્સ માટે ઑસ્ટ્રેલિયાની મહિલા વૉટર પોલો ટીમના પાંચ ખેલાડીઓ કોવિડ-19 પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પૅરિસમાં ઑસ્ટ્રેલિયાની ટીમના વડા ઍના મેયર્સે કહ્યું હતું કે કોવિડના કેસ માત્ર વૉટર પોલો ટીમ પૂરતા જ મર્યાદિત છે. સમગ્ર ઑસ્ટ્રેલિયન ટીમની તપાસ પણ થઈ ગઈ છે. પૉઝિટિવ ખેલાડીઓને પણ પ્રોટોકૉલનું પાલન કરીને પ્રૅક્ટિસ કરવાની છૂટ છે.
સૉફ્ટ કાર્ડબોર્ડમાંથી બનેલા બેડની મજબૂતાઈ ચકાસી જોઈ ઑલિમ્પિક્સના ઍથ્લીટ્સે
પર્યાવરણને ધ્યાનમાં રાખીને ટોક્યો ઑલિમ્પિક્સની જેમ પૅરિસ ઑલિમ્પિક્સના ખેલાડીઓના વિલેજમાં સૉફ્ટ કાર્ડબોર્ડ બેડની સાથે ખેલાડીઓને કૉન્ડોમ આપવામાં આવ્યાં હતાં. દુનિયાભરના ખેલાડીઓએ વિલેજના સૉફ્ટ કાર્ડબોર્ડ બેડની મજબૂતાઈ તપાસવા માટે વિવિધ પ્રયોગ કર્યા હતા, પણ પૅરિસ ઑલિમ્પિક્સના બેડ મજબૂત સાબિત થયા હતા. એ બેડ અને પૅરિસ ઑલિમ્પિક્સમાં ખેલાડીઓને મળેલાં કૉન્ડોમનાં પૅકેટ્સના વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયા હતા.
IOCએ ૧૪૨મા સત્રમાં અનેક મહત્વના નિર્ણયો લીધા
ઇન્ટરનૅશનલ આૅલિમ્પિક કમિટી (IOC)એ ૧૪૨મા સત્રમાં નિર્ણય કર્યો હતો કે સાઉદી અરેબિયામાં ૨૦૨૫થી આૅલિમ્પિક્સ ઈ-સ્પોર્ટ્સ ગેમ્સની શરૂઆત થશે. ડિજિટલ ક્રાન્તિને વેગ આપવા આ આૅલિમ્પિક્સ દર બે વર્ષે રમાશે. એની સાથે જ ૨૦૩૦ વિન્ટર આૅલિમ્પિક ગેમ્સની યજમાની ફ્રાન્સમાં ફ્રેન્ચ આલ્પ્સને અને ૨૦૩૪ની યજમાની અમેરિકામાં સૉલ્ટ લૅક સિટીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.