ઓપનિંગ સેરેમનીમાં કૉમેન્ટેટરે કરી પાકિસ્તાનની ફજેતી
પાકિસ્તાન તરફથી માત્ર ૧૮ લોકો પૅરિસ પહોંચ્યા છે
ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે પાકિસ્તાન તરફથી માત્ર ૧૮ લોકો પૅરિસ પહોંચ્યા છે, જેમાંથી ૭ ખેલાડી છે. ઓપનિંગ સેરેમની દરમ્યાન કૉમેન્ટેટરે પાકિસ્તાની ટીમ પર એવી કમેન્ટ કરી જેને કારણે પાકિસ્તાનની ભારે ફજેતી થઈ હતી. સેન નદી પરથી જ્યારે પાકિસ્તાનની બોટ પસાર થઈ રહી હતી ત્યારે એક કૉમેન્ટેટરે કમેન્ટ કરી કે ‘પાકિસ્તાન, પાંચમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, ૨૪૦ મિલ્યનથી વધુ લોકો, પરંતુ માત્ર સાત ઍથ્લીટ્સની ટીમ.’
આ કમેન્ટનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો. ઘણા પાકિસ્તાની યુઝર્સને આ કમેન્ટ અપમાનજનક લાગી. કેટલાકે પૂછ્યું કે આના માટે જવાબદાર કોણ? અન્ય એક યુઝરે લખ્યું કે ૫.૫ મિલ્યનની વસ્તી પેલેસ્ટીનની છે, એમાંથી માત્ર ૮ ખેલાડી છે. જોવાનું એ રહેશે કે પાકિસ્તાનના ખેલાડી ઐતિહાસિક પ્રદર્શન કરીને ટ્રોલર્સના મોં બંધ કરી શકશે કે નહીં.