પૅરિસ પૅરાલિમ્પિક્સમાં હાઈ જમ્પમાં પ્રવીણ કુમારે જીત્યો સુવર્ણ ચંદ્રક: એક સમયે તે ટૂંકા પગને કારણે હીનતાની લાગણીથી પીડાતો હતો
પ્રવીણ કુમાર
છઠ્ઠી સપ્ટેમ્બરના શુક્રવારે જ્યારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતના ૨૧ વર્ષના પ્રવીણ કુમારે પુરુષોની હાઈ જમ્પ T-64 કૅટેગરીમાં ૨.૦૮ મીટરનો જમ્પ લગાવ્યો ત્યારે ત્યાં ઉપસ્થિત ચાહકોએ ખુશીની જોરદાર ગર્જના કરી હતી. દિલ્હીના આ વતનીએ ટોક્યો પૅરાલિમ્પિક્સ સ્પર્ધામાં મેળવેલા સિલ્વર મેડલમાંથી અપગ્રેડ થઈને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વળી સતત બીજો પૅરાલિમ્પિક્સ મેડલ મેળવવાનો આનંદ અને ઉત્સાહ હતો. આત્મવિશ્વાસથી ભરપૂર પ્રવીણ કુમારે તેના જમ્પના પહેલા સાત જમ્પ ક્લિયર કર્યા હતા અને ૧.૮૯ મીટરથી વધતાં-વધતાં તે ૨.૦૮ મીટર સુધીના જમ્પ લગાવી ચૂક્યો હતો. તેણે તેની પૂરી ક્ષમતાનો ઉપયોગ કરીને ૨.૧૦ મીટરનો જમ્પ લગાવવાનો પ્રયાસ પણ કર્યો, પણ ત્યાં સુધીમાં તે ગોલ્ડ મેડલ જીતીને પોડિયમ પર ઊભા રહી શકાય એટલી હાઇટનો જમ્પ લગાવી ચૂક્યો હતો.
૨૦૦૩ના મે મહિનામાં નોએડામાં જન્મેલા અને હવે દિલ્હીમાં રહેતા પ્રવીણ કુમારને એક સમયે તેના ટૂંકા પગને કારણે હીનતાની લાગણી થતી હતી. આ અસલામતી દૂર કરવા તે શરૂમાં વૉલીબૉલ રમતો હતો, પણ જ્યારે તેણે તેની ગેમ બદલી અને હાઈ જમ્પ કરવા લાગ્યો ત્યારે તેનો કૉન્ફિડન્સ વધી ગયો હતો. આ ફેરફાર તેના જીવનને બદલનારો હતો. તેણે દિવ્યાંગો માટેની ગેમ્સમાં ભાગ લીધો અને ત્યારથી હાઈ જમ્પને જ તેનું લક્ષ્ય બનાવી દીધું હતું.
ADVERTISEMENT
હાઈ જમ્પની ટેક્નિક શીખવા માટે તેણે ઇન્ટરનેટ પર વિવિધ વિડિયો જોવાની શરૂઆત કરી અને પૅરાલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા શાની જરૂર છે એની સ્ટડી કરવા લાગ્યો. પછી તેને પૅરા-ઍથ્લેટિક્સ કોચ ડૉ. સત્યપાલ સિંહનો સાથ મળ્યો. તેમણે પ્રવીણ કુમારની ક્ષમતાઓ ઓળખી લીધી અને તેમણે તેને હાઈ જમ્પ પર ફોકસ કરવા જણાવ્યું. પ્રવીણ કુમાર પછી જાણે હાઈ જમ્પના પ્રેમમાં પડી ગયો. ટીનેજર તરીકે તેણે સ્વિટ્ઝરલૅન્ડમાં આયોજિત વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ જુનિયર ચૅમ્પિયનશિપ-૨૦૧૯માં સિલ્વર મેડલ જીતી લીધો. ૨૦૨૧માં તેણે દુબઈમાં આયોજિત વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. અહીં તેણે એશિયન રેકૉર્ડ બનાવ્યો.
૧૮ વર્ષની ઉંમરે ટોક્યો પૅરાલિમ્પિક્સમાં પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીતી લીધો. હવે ગોલ્ડ મેડલ મેળવવાની તેની આતુરતા વધી ગઈ હતી. ૨૦૨૩માં વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં તેને બ્રૉન્ઝ મેડલ મળ્યો. આ પછી તેને થયું કે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવો જોઈએ એટલે તેણે ક્વૉલિફાય કેવી રીતે થવું એની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી.
પ્રવીણ કુમારને ઑલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ નામની નૉન-પ્રૉફિટ સંસ્થાનો સાથ મળ્યો છે જે ઑલિમ્પિક્સ અને પૅરાલિમ્પિક્સમાં ઍથ્લીટોને મદદ કરે છે.
પ્રવીણ કુમારના આ બહેતર દેખાવને કારણે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં ભારતે તેનો છઠ્ઠો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ૨૧ વર્ષનો આ ઍથ્લીટ બહુવિધ મેડલ મેળવનારા ચુનંદા ઍથ્લીટોની યાદીમાં સામેલ થયો છે.