હૉકી-સ્ટાર્સને PM હાઉસમાં ડિનરનું આમંત્રણ આપ્યું અને પછી પાછું ખેંચી લીધું
પાકિસ્તાન હૉકી ટીમ
૪૦ વર્ષ બાદ પાકિસ્તાનને ઑલિમ્પિક્સમાં ગોલ્ડ અપાવનારા જ્વેલિન થ્રોઅર અર્શદ નદીમનું સન્માન કરવામાં પાકિસ્તાની સરકારે કોઈ કસર બાકી નથી રાખી, પણ એક ચૅમ્પિયનને સન્માનિત કરવાના ચક્કરમાં પાકિસ્તાન સરકાર ભૂતપૂર્વ ઑલિમ્પિક્સ ચૅમ્પિયન્સનું અપમાન કરી રહી છે. પાકિસ્તાન સરકાર દ્વારા અર્શદ નદીમના સન્માનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરના આમંત્રણ પર પાકિસ્તાન હૉકી ટીમના ભૂતપૂર્વ ખેલાડી રાવ સલીમ નાઝિમે દાવો કર્યો હતો કે સરકારે આમંત્રણ પાછું લઈને તમામ ઑલિમ્પિક્સ ચૅમ્પિયનનું અપમાન કર્યું છે.
૧૯૯૨માં પાકિસ્તાની હૉકી ટીમે પાકિસ્તાનને છેલ્લા ઑલિમ્પિક્સ મેડલ તરીકે બ્રૉન્ઝ મેડલ અપાવ્યો હતો. અહેવાલ અનુસાર PM હાઉસે ઘણા મહાન હૉકી-ખેલાડીઓને કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ મોકલ્યાં હતાં અને તે બધાને તેમનાં આમંત્રણોની પુષ્ટિ કરતી ઈમેઇલ્સ પ્રાપ્ત થઈ હતી, પરંતુ છેલ્લી ક્ષણે અમારામાંથી ઘણાને વડા પ્રધાન સચિવાલય તરફથી સંદેશ મળ્યો કે તેમને મહેમાનોની સંખ્યાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એટલે આમંત્રણ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. પાકિસ્તાન સરકારની હરકત પર સવાલો ઊઠી રહ્યા છે.