જૅબ્યરે વિજેતા જાહેર થતાં પહેલાં હરીફ ખેલાડી અને ગયા વર્ષે ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેન્સિકને જે મદદ કરી એ દૃષ્ટાંતરૂપ ઘટના હતી
રવિવારે બર્લિનમાં ફાઇનલ દરમ્યાન ઈજા પામેલી બેન્સિક (ડાબે) પાસે તરત પહોંચી ગયેલી તેની હરીફ પ્લેયર ઑન્સ જૅબ્યર (તસવીર : એ.એફ.પી.)
રવિવારે જર્મનીમાં બર્લિન ઓપનની ફાઇનલ શરૂ થઈ ત્યારે વર્લ્ડ નંબર-થ્રી ટ્યુનિશિયાની ઑન્સ જૅબ્યર અને ૧૭મા નંબરની સ્વિટ્ઝરલૅન્ડની બેલિન્ડા બેન્સિક વચ્ચે જોરદાર રસાકસી જોવા મળશે એવી તમામ પ્રેક્ષકોને ખાતરી હતી, પરંતુ માંડ બીજો સેટ શરૂ થયો ત્યાં બેન્સિક ઈજા પામી હતી અને છેવટે તે ફાઇનલમાંથી નીકળી જતાં જૅબ્યરને આસાનીથી ટ્રોફી પર કબજો કરવા મળી ગયો હતો.
જોકે જૅબ્યરે વિજેતા જાહેર થતાં પહેલાં હરીફ ખેલાડી અને ગયા વર્ષે ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેન્સિકને જે મદદ કરી એ દૃષ્ટાંતરૂપ ઘટના હતી. ફાઇનલ અટકાવાઈ ત્યારે બેન્સિક ૩-૬, ૧-૨થી પાછળ હતી. તે પહેલા સેટમાં ડાબા પગની ઘૂંટીની ઈજાને લીધે નીચે પટકાઈ ત્યારે જૅબ્યર તેની પાસે દોડી ગઈ હતી અને તેને ફરી રમવાની હિંમત અપાવી હતી. જૅબ્યરે તેને માટે આઇસ-કૂલરની જલદીથી વ્યવસ્થા પણ કરી આપી હતી જેથી તેની ઘૂંટીને જરૂરી આરામ વહેલો મળે. બેન્સિક પાછી રમી હતી, પરંતુ બીજા સેટમાં જૅબ્યર ૨-૧થી આગળ હતી ત્યારે બેન્સિક એ ઈજા ફરી અસહ્ય બનતાં તેણે આ ફાઇનલ ન રમવાનું નક્કી કર્યું હતું. જૅબ્યરે મૅચ પછી પત્રકારોને કહ્યું કે ‘મેં તેને દિલાસો આપતાં કહ્યું કે તું આ ઈજાને ભૂલી જા અને આજે ફાઇનલ જેવી મોટી મૅચ રમી રહી છે એ પણ યાદ ન કર.’
ADVERTISEMENT
બેન્સિકે જૅબ્યરને કહ્યું કે ‘આ ટાઇટલ તું જ ડિઝર્વ કરતી હતી. તું અત્યારે કેટલી બધી ખુશ હોઈશ એ હું સમજી શકું છું અને એટલે જ હું મારી ઈજાને કારણે તારા રંગમાં ભંગ નથી પાડવા માગતી.’