જુનિયર હૉકીમાં ભારતે કોરિયાને ડ્રૉની ફરજ પાડી અને વધુ સમાચાર
મિડ-ડે લોગો
લંડનમાં ટેસ્ટ પહેલાં નીકળ્યા ટહેલવા
ADVERTISEMENT
ઓવલમાં આજે ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટે લંડન આવેલા ખેલાડીઓમાંથી યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા અને શ્રીકાર ભરત બે દિવસ પહેલાં લંડનમાં ટહેલવા નીકળ્યા હતા. તેઓ લંડનના કેટલાક રસ્તાઓ પર ફર્યા હતા અને ત્યાંની લાઇફસ્ટાઇલ માણી હતી. ‘લંડનની ખોજયાત્રાએ નીકળ્યા અમે...’ એવી કૅપ્શન યશસ્વીએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા ફોટો સાથે આપી હતી. એ પહેલાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ સ્ટીવ સ્મિથ, જૉશ હૅઝલવુડ, તેના બીજા સાથીઓ પણ લંડનમાં ખૂબ ફર્યા હતા.
ફુટબૉલપ્રેમી કોહલી-અનુષ્કાને જર્સીની ભેટ
શનિવારે લંડનમાં વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા ખાસ આમંત્રણને માન આપીને એફએ કપ ફુટબૉલની ફાઇનલ જોવા ગયાં હતાં. તેમણે મૅન્ચેસ્ટર સિટી અને મૅન્ચેસ્ટર યુનાઇટેડનો મુકાબલો ખૂબ માણ્યો હતો અને તેમને એ પ્રસંગે ખાસ જર્સી ભેટ આપવામાં આવી હતી. ક્રિકેટમાં કોહલી ૧૮ નંબરની જર્સી પહેરીને રમે છે એટલે તેને ખાસ ૧૮ નંબર લખાવીને ફુટબૉલની જર્સી ગિફ્ટ કરાઈ હતી. ફાઇનલમાં સિટીએ યુનાઇટેડને ૨-૧થી હરાવીને ટ્રોફી જીતી હતી.
ફુટબૉલની ‘કેરલ સ્ટોરી’ : મહિલા ટીમની પ્રવૃત્તિઓ સ્થગિત કરી
‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મે દેશભરમાં સનસનાટી મચાવી દીધી છે ત્યારે ભારતની ટોચની ફુટબૉલ સ્પર્ધા ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ની કેરલા બ્લાસ્ટર્સ ક્લબે ગઈ કાલે પોતાની વિમેન્સ ફુટબૉલ ટીમની પ્રવૃત્તિઓને સ્થગિત કરી દીધી છે. ૩ માર્ચે આઇએસએલની બૅન્ગલોર સામેની પ્લે-ઑફમાંથી નીકળી જવા બદલ ફુટબૉલ ફેડરેશને કેરલા બ્લાસ્ટર્સને ૪ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને એના કોચ ઇવાન વુકોમૅનોવિચને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવા ઉપરાંત તેમના પર ૧૦ મૅચનો બૅન મૂક્યો એને પગલે કેરલા બ્લાસ્ટર્સ ક્લબ આર્થિક મુશ્કેલીમાં આવી જતાં એણે મહિલાઓની ટીમની તાલીમ અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓને સ્થગિત કરી દીધી છે.
જુનિયર હૉકીમાં ભારતે કોરિયાને ડ્રૉની ફરજ પાડી
જપાનની વિમેન્સ જુનિયર એશિયા કપ હૉકીમાં પ્રીતિની કૅપ્ટન્સીમાં ભારતે ગઈ કાલે સાઉથ કોરિયાને મહત્ત્વનો લીગ મુકાબલો ૨-૨થી ડ્રૉમાં લઈ જવાની ફરજ પાડી હતી. ૩૦ મિનિટની અંદર કોરિયાએ બે ગોલ કર્યા ત્યાર બાદ ભારતે ડિફેન્સ મજબૂત કરવાની સાથે આક્રમણ પણ વધાર્યું હતું અને ૪૩મી મિનિટે દીપિકા સોરેન્ગે અને ૫૪મી મિનિટે દીપિકાએ ગોલ કરીને સ્કોર ૨-૨ની બરાબરીમાં લાવી દીધો હતો. ૧૧ મિનિટમાં કરેલા આ કમબૅકને કારણે ભારત મૅચને ડ્રૉમાં લઈ જવાની સાથે ગ્રુપ ‘એ’માં મોખરે રહ્યું છે.
શૂટર રાહીએ મહારાષ્ટ્રને ગોલ્ડ મેડલ અપાવ્યો
વિમેન્સ શૂટિંગની ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલી એશિયન ગેમ્સ ચૅમ્પિયન રાહી સરનોબતે ભોપાલમાં આયોજિત ડોમેસ્ટિક શૂટિંગની જાણીતી સ્પર્ધા કુમાર સુરેન્દ્ર સિંહ મેમોરિયલ (કેએસએસએમ) શૂટિંગ ચૅમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર વતી ભાગ લઈને પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. સોમવારની ૫૦ શૉટની ફાઇનલમાં તેના ૩૬ શૉટ સૌથી વધુ હતા. તેલંગણની ઈશા સિંહ ૩૧ શૉટ સાથે બીજા નંબરે હતી.

