ભૂતપૂર્વ ચૅમ્પિયન જિમ્નૅસ્ટ રૅટન આઇસીયુમાં અને વધુ સમાચાર
પ્રમુખ થૉમસ બાક મુંબઈમાં અંબાણી-દંપતી સાથે
મુંબઈમાં અંબાણી-દંપતી બન્યું ઑલિમ્પિક કમિટીના પ્રમુખ થૉમસ બાકનું યજમાન
૧૫ ઑક્ટોબરે યોજાનારી ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી (આઇઓસી)ના પ્રમુખ થૉમસ બાક મુંબઈ આવ્યા છે અને મંગળવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક તથા ચૅરપર્સન નીતા અંબાણીએ તેમનું પોતાના નિવાસસ્થાને સ્વાગત કર્યું હતું. નીતા અંબાણીએ તેમનું ભારતીય પરંપરા મુજબ વેલકમ કર્યું હતું. એ પહેલાં રવિવારે નીતા અંબાણી અને થૉમસ બાકે મુંબઈ સિટી એફસી અને કેરલા બ્લાસ્ટર એફસી વચ્ચેની ફુટબૉલ મૅચ જોઈ હતી. થૉમસ બાકે ભારતીય ફુટબૉલર્સની ટૅલન્ટને ખૂબ વખાણી હતી અને ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ)ને બિરદાવી હતી.
ADVERTISEMENT
રાફેલ નડાલ પાછો આવી રહ્યો છે
સ્પેનનો ૩૭ વર્ષનો ટેનિસ ખેલાડી રાફેલ નડાલ ફરી ફુલ્લી ફિટ થઈને જાન્યુઆરીની ઑસ્ટ્રેલિયન ઓપનથી રમવા મક્કમ છે. મેન્સ ટેનિસમાં સૌથી વધુ ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર નોવાક જૉકોવિચ પછીનો બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ ખેલાડી નડાલના નામે બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ છે અને તે જૉકોવિચની બરાબરી કરી શકશે કે પછી જૉકોવિચ વધુ ટાઇટલ જીતીને ખૂબ આગળ નીકળી જશે એ સયમ જ બતાવશે. નડાલ ઉપરાંત બીજાં પાંચ પ્લેયર્સ ઈજાને કારણે અથવા અન્ય કારણસર ટેનિસ કોર્ટથી દૂર રહ્યા બાદ કમબૅક કરવાની તૈયારીમાં છે. એમાં જપાનની નાઓમી ઓસાકા, જર્મનીની ઑન્જેલિક કર્બર, ડેન્માર્કની કૅરોલિન વૉઝનીઍકી, બ્રિટનની એમ્મા રાડુકાનુ અને ઑસ્ટ્રેલિયાના નિક કિર્ગિયોસનો સમાવેશ છે.
એશિયન ગેમ્સની મેડલિસ્ટ હૉકી પ્લેયર બીજી એશિયન સ્પર્ધામાં નહીં
તાજેતરમાં ચીનમાં વિમેન્સ હૉકીમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમની ખેલાડી અને રિયો ઑલિમ્પિક્સની ટીમની કૅપ્ટન સુશીલા ચાનુનો રાંચીમાં ૨૭ ઑક્ટોબરે શરૂ થનારી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમમાં નથી. તેને પડતી મૂકવામાં આવી છે કે તેને કોઈ ઈજા છે એવું કોઈ કારણ નહોતું જાણવા મળ્યું. સવિતા ભારતીય ટીમની કૅપ્ટન છે. આ સ્પર્ધામાં જપાન, ચીન, કોરિયા, મલેશિયા અને થાઇલૅન્ડની ટીમ પણ ભાગ લેશે.
ભૂતપૂર્વ ચૅમ્પિયન જિમ્નૅસ્ટ રૅટન આઇસીયુમાં
ઑલિમ્પિક ગેમ્સમાં ચૅમ્પિયન બની ચૂકેલી અમેરિકાની ભૂતપૂર્વ જિમ્નૅસ્ટ મૅરી લોઉ રૅટન ન્યુમોનિયાની બીમારીને લીધે અને શ્વાસ લેવામાં તકલીફ થતાં મંગળવારે ટેક્સસની હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. તે પંચાવન વર્ષની છે અને ૧૯૮૪માં ઑલિમ્પિક્સમાં ઑલરાઉન્ડ કૅટેગરીનું ટાઇટલ જીતનારી પ્રથમ અમેરિકન મહિલા જિમ્નૅસ્ટ બની હતી. તેને ચાર પુત્રી છે. ૨૦૧૮માં રૅટને તેના પતિ સાથે ડિવૉર્સ લીધા હતા.