મંગળવારે મેસીને બે અઠવાડિયાં માટે જ સસ્પેન્ડ કરી દેવાયો હતો
News In Shorts
સોમવારે સાઉદીની રાજધાની રિયાધમાં પત્ની અને બાળકો સાથે મેસી. તસવીર એ. એફ. પી.
મેસી છોડશે પીએસજીઃ બાર્સેલોનામાં જોડાશે કે સાઉદી જશે?
આર્જેન્ટિનાનો વર્લ્ડ કપ સુપરસ્ટાર લિયોનેલ મેસી પ્રોફેશનલ ફુટબૉલમાં થોડાં વર્ષથી પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) વતી રમે છે, પરંતુ એક અહેવાલ મુજબ મેસી પીએસજી સાથેના કૉન્ટ્રૅક્ટ નહીં લંબાવે અને એ વિશે બન્નેનો એકમત છે. મંગળવારે મેસીને બે અઠવાડિયાં માટે જ સસ્પેન્ડ કરી દેવાયો ત્યારે તેના ઘણા ચાહકોને શંકા ગઈ હશે કે તે હવે પીએસજી છોડી દેશે. કહેવાય છે કે મેસી પાછો બાર્સેલોના ક્લબમાં જોડાઈ જશે. તે કરીઅરનો મોટા ભાગનો સમય બાર્સેલોના સાથે રહ્યો. બીજા અહેવાલ મુજબ મેસી સાઉદી અરેબિયાની કોઈ મસમોટી ઑફર આપતી ક્લબમાં જોડાવાનું વિચારે છે.
એશિયા કપ તીરંદાજીમાં ભારત તમામ ૧૦ ગોલ્ડ મેડલ જીતી શકે
તાશ્કંદમાં ચાલતી એશિયા કપ સ્ટેજ-ટૂ વર્લ્ડ રૅન્કિંગ ટુર્નામેન્ટમાં ભારતીય તીરંદાજોનું વર્ચસ પહેલેથી જ રહ્યું છે અને એવો અંદાજ છે કે રિકર્વ તથા કમ્પાઉન્ડ મિક્સ્ડ પેર્સમાં ભારતીય આર્ચર્સ તમામ ૧૦ ગોલ્ડ મેડલ જીતી શકે એમ છે. મૃણાલ ચૌહાણ અને સંગીતાની જોડીએ હૉન્ગ કૉન્ગની હરીફોને ૬-૦થી અને પછી ઉઝબેકિસ્તાનની જોડીને ૫-૪થી પરાજિત કરી હતી. રિકર્વ્ડ મિક્સ્ડ પેર્સમાં હવે ભારતીય જોડીએ ચીનની હરીફો સામે ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં ઉતરવાનું છે.
ઇમામે પાકિસ્તાનને સિરીઝ જિતાડી આપી
કરાચીમાં બુધવારે ન્યુ ઝીલૅન્ડ સામે પાકિસ્તાને સતત ત્રીજી વન-ડે જીતીને પાંચ મૅચવાળી સિરીઝમાં ૩-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. આ મૅચનો હીરો ઓપનિંગ બૅટર ઇમા-ઉલ-હક (૯૦ રન, ૧૦૭ બૉલ, એક સિક્સર,સાત ફોર) હતો. તેની અને કૅપ્ટન બાબર આઝમ (૫૪ રન, ૬૨ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે બીજી વિકેટ માટે ૧૦૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. પાકિસ્તાને બૅટિંગ મળ્યા પછી ૬ વિકેટે ૨૮૭ રન બનાવ્યા હતા. ન્યુ ઝીલૅન્ડના મૅટ હેન્રીએ ત્રણ અને ઍડમ મિલ્નએ બે વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૩૧ વર્ષના નવા સ્પિનિંગ ઑલરાઉન્ડર કોલ મૅકોનાહાયના ૬૪ રન તેમ જ ટૉમ બ્લન્ડેલના ૬૫ અને કૅપ્ટન ટૉમ લૅથમના ૪૫ રનની મદદથી ૪૯.૧ ઓવરમાં ૨૬૧ રને ઑલઆઉટ થતાં પાકિસ્તાનનો ૨૬ રનથી વિજય થયો હતો.