વિજયને કારણે ભારતને બોનસ પૉઇન્ટ મળ્યો હતો, છતાં ૧૨ મૅચમાં ૨૪ પૉઇન્ટ મેળવનાર ભારત હજી બ્રિટન કરતાં બે પૉઇન્ટ પાછળ છે. બ્રિટનના ૧૧ મૅચમાં ૨૬ પૉઇન્ટ છે. ભારત હવે નેધરલૅન્ડ્સ જશે.
પ્રો લીગ હૉકીમાં ભારતે બ્રિટનને ૪-૨થી હરાવ્યું
લંડનમાં રમાયેલી પુરુષોની પ્રો લીગ હૉકીમાં ભારતે ગ્રેટ બ્રિટનને એક હાઈ સ્કોરિંગ મૅચના પેનલ્ટી શૂટઆઉટમાં ૪-૨થી હરાવ્યું હતું. નિર્ધારિત સમય સુધી બન્ને ટીમે ૪-૪ ગોલ કરતાં પેનલ્ટી શૂટઆઉટ દ્વારા મૅચના વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિજયને કારણે ભારતને બોનસ પૉઇન્ટ મળ્યો હતો, છતાં ૧૨ મૅચમાં ૨૪ પૉઇન્ટ મેળવનાર ભારત હજી બ્રિટન કરતાં બે પૉઇન્ટ પાછળ છે. બ્રિટનના ૧૧ મૅચમાં ૨૬ પૉઇન્ટ છે. ભારત હવે નેધરલૅન્ડ્સ જશે.
ખેલો યુનિવર્સિટી ગેમ્સમાં પંજાબ ચૅમ્પિયન
ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ખેલો ઇન્ડિયન યુનિવર્સિટી ગેમ્સમાં પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢ (પીયુસી) ચૅમ્પિયન બની હતી. જોકે છેલ્લા દિવસે એ પ્રભાવશાળી પ્રદર્શન કરી શકી નહોતી. પીયુસીએ કુલ ૬૯ મેડલ જીત્યા હતા, જેમાં ૨૬ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૨૬ બ્રૉન્ઝ હતા. દેશની કુલ ૨૩૧ પૈકી ૧૩૧ યુનિવર્સિટીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ગયા વર્ષે ચૅમ્પિયન બનનાર કર્ણાટકની જૈન યુનિવર્સિટી આ વખતે ત્રીજા ક્રમાંક પર હતી.
ADVERTISEMENT
મૅન્ચેસ્ટર સિટી જીતી એફએ કપ
લંડનમાં ગઈ કાલે રમાયેલી એફએ કપની ફાઇનલમાં મૅન્ચેસ્ટર સિટીએ મૅન્ચેસ્ટર યુનાઇટેડને ૨-૧થી હરાવી દીધું હતું. લંડનમાં વેમ્બલી સ્ટેડિયમમાં રમાયેલી આ ફુટબૉલ ફાઇનલ મૅચ જોવા માટે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મૅન્ચેસ્ટર સિટીના કૅપ્ટન ઇલકે ગુનડોગને પહેલી જ મિનિટમાં ગોલ કરીને શાનદાર શરૂઆત ટીમને અપાવી હતી. દરમ્યાન ૩૩મી મિનિટે મૅન્ચેસ્ટર યુનાઇટેડના બ્રુનો ફર્નાન્ડિઝે ગોલ કરીને સ્કોરને લેવલ કર્યો હતો. જોકે ફરી એક વાર કૅપ્ટન ઇલકે ૫૧મી મિનિટે ગોલ ફટકારીને ટીમને લીડ અપાવી હતી.
ભારતે રબર બૉલથી કરી ફીલ્ડિંગ પ્રૅક્ટિસ
ભારતીય ટીમે ગઈ કાલે ટ્રેઇનિંગ સેશન દરમ્યાન કૅચિંગ પ્રૅક્ટિસ માટે રબરના બૉલનો ઉપયોગ કર્યો છે. ખાસ કરીને વિકેટકીપર અને સ્લિપમાં ઊભા રહેતા ખેલાડીઓને આવી પ્રૅક્ટિસ કરાવવામાં આવી હતી. શુભમન ગિલ જ્યારે કૅચ પકડતો હતો ત્યારે બૉલ લીલા રંગનો હતો. જાણીતા ફીલ્ડિંગ કોચે કહ્યું હતું કે ‘આ ગલી ક્રિકેટમાં રમવામાં આવતો રબરનો નહીં, પણ અલગ પ્રકારનો બૉલ હતો, જેને રીએક્શન બૉલ કહેવામાં આવે છે.’ ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડમાં જ્યાં ઘણા લીલાછમ ઘાસ છે ત્યારે બૅટને અડીને આવતો બૉલ ઘણી વખત ઠંડી હવાને કારણે ધ્રૂજતો હોય છે. ત્યારે ગ્રીન કે પછી અન્ય રંગના આવા રબરના બૉલની પ્રૅક્ટિસ મહત્ત્વની સાબિત થાય છે.
જો મૅચ ડ્રૉ જાય તો?
ઓવલના મેદાનમાં ૭ જૂને રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ જીતવા માટે ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે. ૧૨ જૂનનો એક રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પૅટ કમિન્સના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાની ટીમ પૉઇન્ટ ટેબલમાં પહેલા ક્રમાંકે રહી હતી, તો ભારત બીજા ક્રમાંકે હતું. ભારત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે. અગાઉ એ ન્યુ ઝીલૅન્ડ સામે ફાઇનલ મૅચમાં હારી ગયું હતુ. જોકે લંડનના ઓવલના મેદાનમાં રમાનારી આ મૅચ કોઈક કારણસર ડ્રૉ જાય તો ટ્રોફી કોને મળશે એ સવાલ ક્રિકેટરસિયાઓના મનમાં ઉદ્ભવી રહ્યો છે. આઇસીસીના નિયમ મુજબ મૅચ ડ્રૉ થાય તો ટ્રોફી બન્ને ટીમને શૅર કરવામાં આવશે.
ફ્રેન્ચ ઓપનમાં કોકો ગૉફનો સંઘર્ષપૂર્ણ વિજય
ગયા વખતે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચનાર ૧૯ વર્ષની અમેરિકાની મહિલા ખેલાડી કોકો ગૉફ રશિયાની મિરા ઍન્ડ્રિવાને સંઘર્ષપૂર્ણ મૅચમાં ૬-૫, ૬-૧, ૬-૧થી હરાવીને ચોથા રાઉન્ડમાં પ્રવેશી હતી. પહેલા સેટમાં ભારે ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા. આ સાથે જ ૧૬ વર્ષની મિરા ઍન્ડ્રિવાનો શાનદાર ગ્રૅન્ડ સ્લૅમ ડેબ્યુ પૂરો થયો હતો. ૨૦૦૫ બાદ ફ્રેન્ચ ઓપનમાં મેઇન ડ્રોમાં જીતનાર સૌથી નાની વયની ખેલાડી બની હતી. પુરુષોની સ્પર્ધામાં પણ ગયા વર્ષની ફાઇનલમાં પહોંચનાર કેસ્પર રૂડે પણ ચીનના ખેલાડી ઝાંઝ ઝિઝેન સામે પહેલો સેટ હાર્યા બાદ ૪-૬, ૬-૪, ૬-૧, ૬-૪થી વિજય મેળવ્યો હતો.

