ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન મુગુરુઝાને હરાવ્યા બાદ બિઆન્કાએ કહ્યું કે ‘હું આ મુકાબલો જીતી એ બદલ સુપર હૅપી છું
News In Short
બિઆન્કા આન્ડ્રેસ્કુ
બિઆન્કા આન્ડ્રેસ્કુએ મુગુરુઝાને રસાકસીમાં હરાવી
ગઈ કાલે ઍડીલેડની ઍડીલેડ ઇન્ટરનૅશનલ સ્પર્ધામાં બે ભૂતપૂર્વ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા ખેલાડીઓ વચ્ચે રસાકસીભરી મૅચ રમાઈ હતી જેમાં કૅનેડાની બિઆન્કા આન્ડ્રેસ્કુએ સ્પેનની ગાર્બિન્યે મુગુરુઝાને ૦-૬, ૭-૩, ૬-૧થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને તેણે વર્ષ ૨૦૨૩ની શુભ શરૂઆત પણ કરી હતી. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન મુગુરુઝાને હરાવ્યા બાદ બિઆન્કાએ કહ્યું કે ‘હું આ મુકાબલો જીતી એ બદલ સુપર હૅપી છું. આ ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી.’ બિઆન્કાનો અત્યારે વિશ્વમાં ૪૬મો અને મુગુરુઝાનો ૫૫મો રૅન્ક છે.
ADVERTISEMENT
આર્સેનલ જીતવા છતાં ટ્રોફી માટે મોટા સંઘર્ષથી ચિંતિત
ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં શનિવારે આર્સેનલે બ્રાઇટન ઍન્ડ હોવ ઍલ્બિયોનને ૪-૨થી હરાવીને સૌથી વધુ ૪૩ પૉઇન્ટ સાથે પોતાનું મોખરાનું સ્થાન વધુ મજબૂત કર્યું હતું. મૅન્ચેસ્ટર સિટી (૩૬) એનાથી ૭ પૉઇન્ટ પાછળ છે છતાં આર્સેનલના કોચ મિકેલ આર્ટેટા એવું માને છે કે ટ્રોફી સુધી પહોંચવા પોતાની ટીમે હજી ઘણો સંઘર્ષ કરવો પડશે. આર્સેનલ વતી બુકાયો સાકા, ઑડેગાર્ડ, ઍન્કેટિયા અને માર્ટિનેલીએ એક-એક ગોલ કર્યો હતો. બીજી તરફ મૅન્ચેસ્ટર સિટીની એવર્ટન સામેની મૅચ ૧-૧થી ડ્રૉ ગઈ હતી.
રમીઝ રાજાનું વર્તન બાળક જેવું : સલમાન બટ
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન સલમાન બટે કહ્યું કે ‘પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ચીફ રમીઝ રાજા બાળક પાસેથી તેનું રમકડું છીનવાઈ ગયા પછી જે રીતે તે વર્તે એવું વર્તન કરી રહ્યા છે.’ ઇંગ્લૅન્ડ સામેના ૦-૩ના પરાજય સાથે પાકિસ્તાને પહેલી વાર ઘરઆંગણે વાઇટવૉશ જોવો પડ્યો એને પગલે રાજાને પીસીબીના ચૅરમૅનપદેથી હટાવ્યા બાદ તેમણે વર્તમાન સિલેક્શન કમિટી અને નવા ચીફ નજમ સેઠી વિશે કમેન્ટ્સ કરવાની સાથે કહ્યું હતું કે બોર્ડના નવા મેમ્બર્સને માત્ર સત્તા જોઈએ છે, તેમને પાકિસ્તાન ક્રિકેટને સુધારવામાં કોઈ રસ નથી.