ફાઇનલમાં જશ મોદી સામે ભારતનો નંબર-વન અને ભૂતપૂર્વ વર્લ્ડ જુનિયર નંબર-વન પાયસ જૈન હતો અને બન્ને વચ્ચે ખૂબ રસાકસી થઈ હતી.
જશ અમિત મોદી
મુંબઈનો ટેબલ ટેનિસ સ્ટાર જશ અમિત મોદી બે અઠવાડિયાંમાં બે સિલ્વર મેડલ જીત્યો છે. ગયા અઠવાડિયે વડોદરાની નૅશનલ રૅન્કિંગ ટી. ટી. ટુર્નામેન્ટમાં જશ મોદીએ ક્વૉર્ટર ફાઇનલમાં ભારતના નંબર-ટૂ અંકુર ભટ્ટાચાર્યને ૫-૧૧, ૧૧-૮, ૧૧-૫, ૧૧-૩, ૧૧-૮થી હરાવ્યા પછી સેમી ફાઇનલમાં દિલ્હીના પ્રિય અનુજને ૪-૧૧, ૧૨-૧૦, ૯-૧૧, ૧૧-૯, ૧૪-૧૨, ૧૧-૯થી હરાવ્યો હતો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલમાં જશ મોદી સામે ભારતનો નંબર-વન અને ભૂતપૂર્વ વર્લ્ડ જુનિયર નંબર-વન પાયસ જૈન હતો અને બન્ને વચ્ચે ખૂબ રસાકસી થઈ હતી. બન્નેએ ૩-૩ ગેમ જીતી લીધા બાદ સાતમી ગેમમાં સ્કોર ૧૦-૧૦થી બરાબરીમાં રહ્યા પછી એક ફૉલ્ટ સર્વિસને લીધે જશનો પરાજય થયો હતો અને ત્યારે ફાઇનલ સ્કોર ૧૧-૮, ૯-૧૧, ૮-૧૧, ૧૧-૯, ૫-૧૧, ૧૧-૮, ૧૧-૧૩ હતો.
૧૭ વર્ષનો જશ મોદી રનર-અપ રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે આ સ્પર્ધામાં પોતાનાથી ચડિયાતા ક્રમના બે પ્લેયરને હરાવ્યા હતા. જશની અન્ડર-19 બૉય્સમાં સાતમો નૅશનલ રૅન્ક છે.
અગાઉના અઠવાડિયે ચંડીગઢમાં ચંડીગઢ યુનિવર્સિટી વતી રમીને ઑલ ઇન્ડિયા યુનિવર્સિટી મેન્સ ચૅમ્પિયનશિપમાં પણ તે સિલ્વર મેડલ જીત્યો હતો.