વડા પ્રધાન મોદીએ નીરજને પૅરિસ ઑલિમ્પિક્સ માટે શુભેચ્છા આપી હતી અને ફિટ તથા ઈજામુક્ત રહેવાની વિનંતી કરી હતી.
નરેન્દ્ર મોદી અને નીરજ ચોપડા
પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ટીમના મેમ્બરો ફ્રાન્સ રવાના થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને વડા પ્રધાને તેમની સાથે વાતચીત કરી હતી.
આ વાતચીત વખતે ભારતના ઑલિમ્પિક્સ ચૅમ્પિયન નીરજ ચોપડા સાથે મોદીએ વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા એકદમ નિખાસલ મને વાતચીત કરી હતી અને તેની મમ્મી દ્વારા બનાવવામાં આવતી ચૂરમાની વાનગી લાવવાનું યાદ દેવડાવ્યું હતું. હરિયાણા અને રાજસ્થાનમાં ચૂરમું લોકપ્રિય વાનગી છે.
પૅરિસ જઈ રહેલા ઍથ્લીટ્સ સાથે વાતચીત કરતી વખતે નીરજ ચોપડાએ વડા પ્રધાનને કહ્યું હતું, ‘નમસ્કાર સર, કેમ છો.’ એના જવાબમાં વડા પ્રધાન મોદીએ હસીને કહ્યું હતું કે ‘હું તો એવો જ છું.’ એ પછી મોદીએ મજાક કરતાં કહ્યું હતું કે ‘મેરા ચૂરમા અભી તક આયા નહીં.’ એ સાથે જ ચારે બાજુ હાસ્ય ફેલાઈ ગયું હતું.
ADVERTISEMENT
એ વખતે શરમાળ નીરજે જવાબ આપ્યો હતો, ‘આ વખતે હું તમને હરિયાણાવાળું ચૂરમું ખવડાવીશ, સર. ગયા વખતે દિલ્હીવાળું ખાંડવાળું ચૂરમું આપણે ખાધું હતું.’ આ સમયે વડા પ્રધાન મોદીએ ઘરે બનાવેલા ચૂરમાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ‘મારે તારી મમ્મીના હાથે બનેલું ચૂરમું ખાવું છે.’ આવી રમૂજી ક્ષણો બાદ વડા પ્રધાન મોદીએ નીરજને પૅરિસ ઑલિમ્પિક્સ માટે શુભેચ્છા આપી હતી અને ફિટ તથા ઈજામુક્ત રહેવાની વિનંતી કરી હતી.