ત્રણ ક્લબની ઑફર ઠુકરાવીને છેવટે ઇન્ટર માયામી ટીમમાં જોડાયો : જોકે ડીલ હજી ૧૦૦ ટકા પૂરી નથી થઈ: અમેરિકી સોકરમાં આવશે મોટું પરિવર્તન
લિયોનેલ મેસી અને ડેવિડ બેકહૅમ
ગયા વર્ષના કતાર વર્લ્ડ કપના સુપરસ્ટાર, આર્જેન્ટિના ફુટબૉલના લેજન્ડ અને પ્રોફેશનલ સોકરના બેતાજ બાદશાહ લિયોનેલ મેસીએ એક પછી એક ત્રણ ક્લબની ઑફર ઠુકરાવી છે અને બધાના આશ્ચર્ય વચ્ચે અમેરિકાની મેજર લીગ સોકર (એમએલએસ)માં ઇન્ટર માયામી ટીમ વતી રમવા તૈયાર થયો છે. મેસીએ કહ્યું છે કે તે ઉત્તર અમેરિકાની આ ટોચની ક્લબ સાથે રમવા માટેના કરાર કરશે.
ઇંગ્લૅન્ડનો સોકર-લેજન્ડ ડેવિડ બેકહૅમ ઇન્ટર માયામી ટીમનો માલિક છે. તેના ઉપરાંત હૉર્હે મેસ અને જૉસ મેસ નામના બે બિલ્યનેર પણ આ ટીમની સહ-માલિકી ધરાવે છે. આ ટીમની સ્થાપના ૨૦૧૮માં થઈ હતી.
ADVERTISEMENT
7
ઉત્તર અમેરિકામાં આટલા ફુટબૉલ-લેજન્ડ્સ રમી ચૂકયા છે. એમાં પેલે, બેકહૅમ, બેકનબૉર, ક્રાયફ, રૂની, ઇબ્રાહિમોવિચ અને ટિએરી હેન્રીનો સમાવેશ છે.
ગયા અઠવાડિયે મેસીએ પૅરિસ સેન્ટ જર્મેઇન (પીએસજી) ટીમને ત્રણ મોટાં ટાઇટલ અપાવ્યા બાદ ગુડબાય કરી દીધું હતું. તેણે બે વર્ષના કૉન્ટ્રૅક્ટને અંતે એ ટીમ છોડી દીધી હતી. ત્યારે એવી ચર્ચા હતી કે તે ફરી બાર્સેલોના ક્લબ સાથે કરાર કરીને એની ટીમમાં જોડાઈ જશે. જોકે એની સાથે કોઈ સમાધાન ન થતાં તેણે એ વાત જાહેર કરી કે તે ફરી બાર્સેલોનામાં નથી જોડાઈ રહ્યો. એ સાથે, સાઉદી અરેબિયાની અલ-હિલાલ સાથેની તેની અટકળોએ જોર પકડ્યું હતું. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાઉદીની અલ નેસર ટીમ સાથે જોડાયો હોવાથી મેસી પણ અખાતમાં તેની હરીફાઈમાં રમવા આવશે એવી જોરદાર વાતો હતી. અલ-હિલાલ ક્લબ મેસીને એક વર્ષના ૪૦૦ મિલ્યન ડૉલર (અંદાજે ૩૩ અબજ રૂપિયા) આપીને તેને વિશ્વનો હાઇએસ્ટ-પેઇડ ફુટબોલર બનાવવાની તૈયારીમાં છે એવી પણ ચર્ચા હતી, પરંતુ મેસીએ હવે માયામી સાથે કરાર કરવાની જાહેરાત કરી એ સાથે અલ-હિલાલ સાથેની તેની અટકળ થંભી ગઈ છે.
મેસી દસ વર્ષ પહેલાં બાર્સેલોનામાં અને બેકહૅમ પીએસજી ટીમમાં હતો. તેઓ ઘણી વાર આમને-સામને આવ્યા હતા.
૨૪ જૂને ૩૬ વર્ષ પૂરાં કરનારો મેસી દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિના દેશનો છે અને ઇન્ટર માયામી ક્લબ ઉત્તર અમેરિકાની છે. સ્પેનનાં અખબારોએ મેસીને ટાંકતાં જણાવ્યું હતું કે ‘હું માયામીની ક્લબમાં જોડાઈ રહ્યો છું. મેં નિર્ણય લઈ લીધો છે. ડીલ હજી ૧૦૦ ટકા પૂરું નથી થયું. થોડું વર્ક બાકી છે. હા, અમે કરારમાં આગળ વધવા સૈદ્ધાંતિક રીતે સહમત છીએ.’
ડેવિડ બેકહૅમ કેવી રીતે ઇન્ટર માયામી ટીમનો માલિક બન્યો?
ઇંગ્લૅન્ડનો મહાન ફુટબોલર અને કરોડો સોકરપ્રેમીઓનો હીરો ડેવિડ બેકહૅમ ૪૮ વર્ષનો છે. તે ૧૯૯૨થી ૨૦૧૩ સુધી રમ્યો હતો. તે ૨૦૦૬માં ૩૧ વર્ષનો હતો ત્યારે રિયલ મૅડ્રિડમાં ચાર સીઝન પૂરી કરીને લૉસ ઍન્જલસની એલએ ગૅલૅક્સી ટીમમાં જોડાયો હતો. ત્યારે એ ટીમની ક્લબે બેકહૅમ સાથે જેટલા રૂપિયાનો કરાર કર્યો હતો એટલો અગાઉ કોઈ સાથે નહોતો કર્યો. તેણે એલએ ગૅલૅક્સી ટીમને મેજર લીગ સોકર (એમએલએસ)નાં બે ટાઇટલ અપાવ્યાં હતાં. એ ટીમ વતી તે ૧૧૫ મૅચ રમ્યો હતો. એ વખતે બેકહૅમે ઉત્તર અમેરિકામાં ટીમના માલિક બનવાનાં બીજ વાવ્યાં હતાં. ત્યારે તો તે યુરોપમાં પાછો આવીને પીએસજી ક્લબ (જેની સાથે મેસીએ તાજેતરમાં છેડો ફાડ્યો) સાથે જોડાયો અને એક સીઝન રમ્યો હતો અને પછી રિટાયર થઈ ગયો હતો.

