પીએસજીએ ફ્રેન્ચ લીગમાં વર્લ્ડ કપના સુપરસ્ટારના ગોલથી ૩-૧થી મેળવી લીધી જીત
Ligue 1
મેસી મૅચવિનર, ઍમ્બપ્પે ઇન્જર્ડ
પૅરિસમાં બુધવારે ફ્રેન્ચ લીગમાં મૉન્ટપેલિયર સામેની મૅચમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી)એ ૩-૧થી વિજય મેળવ્યો હતો. વર્લ્ડ કપના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ ૭૨મી મિનિટે ગોલ કરીને પીએસજીની ૧-૦ની સરસાઈને ૨-૦ની કરી નાખી હતી અને એ સાથે મૉન્ટપેલિયરની ટીમ ૮૯મી મિનિટના ગોલ છતાં છેક સુધી પ્રેશરમાં રહી હતી અને છેવટે પીએસજીનો ૯૨મી મિનિટના ઝૈર-એમરીના ગોલ સાથે ૩-૧ના માર્જિનથી વિજય થયો હતો. પીએસજી વતી પંચાવનમી મિનિટે પ્રથમ ગોલ એકિટિકેએ કર્યો હતો. પીએસજી પૉઇન્ટ્સ-ટેબલમાં ૫૧ પૉઇન્ટ સાથે મોખરે છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ ૮ ગોલ કરનાર ફ્રાન્સના કીલિયાન ઍમ્બપ્પેએ પીએસજી વતી મેસીની સાથે શરૂઆત સારી કરી હતી, પરંતુ બે પેનલ્ટી કિક માર્યા બાદ ૨૧મી મિનિટે ઈજા થતાં મેદાન પર પટકાયો હતો અને તે ડ્રેસિંગરૂમમાં પાછો ગયો હતો. તેને જમણા ઘૂંટણની નીચેના ભાગમાં ઈજા હતી. જોકે તે પાછો જઈ રહ્યો હતો ત્યારે તેનો હાથ ડાબી સાથળના પાછળના ભાગ પર હતો.
ADVERTISEMENT
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાજેતરમાં કોચ એરિક ટેન હૅગ સાથેના અણબનાવને પગલે મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ) ટીમ છોડી હતી, પરંતુ રોનાલ્ડો વિના આ ટીમ લીગ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સેમી ફાઇનલમાં એમયુએ નૉટિંગમ ફૉરેસ્ટ સામે ૨-૦થી જીત મેળવી હતી. ૨૬ ફેબ્રુઆરીએ ફાઇનલમાં એમયુનો ન્યુકૅસલ સાથે મુકાબલો થશે. કોચ હૅગ નવ મહિનાથી એમયુના કોચ છે અને તેમના કોચિંગમાં આ ટીમ ૬ વર્ષ પછી પહેલી વાર ટ્રોફી જીતવાની તૈયારીમાં છે.
વિમેન્સ વર્લ્ડ કપમાં સાઉદીની સ્પૉન્સરશિપ ન લેવા ફિફાને અપીલ
સાઉદી અરેબિયામાં સ્ત્રીના અધિકાર પર ઘણાં નિયંત્રણ હોવાથી એ દેશની કોઈ પણ સ્પૉન્સરશિપ આગામી વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ માટે ન લેવા સહ-યજમાન દેશો ઑસ્ટ્રેલિયા તથા ન્યુ ઝીલૅન્ડે ફિફાને અપીલ કરી છે. સાઉદી અરેબિયાનો પર્યટન વિભાગ ‘વિઝિટ સાઉદી’ જુલાઈમાં શરૂ થનારા મહિલા વિશ્વકપ માટેનો સત્તાવાર સ્પૉન્સર હોવાનો અહેવાલ વહેતો થતાં બન્ને યજમાન દેશે ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોને કહી દીધું છે કે ‘અમને પૂછ્યા વગર સાઉદી સાથે સ્પૉન્સરશિપ નક્કી નહીં કરી લેતા.’ ૨૦૧૯ના અગાઉનો વિમેન્સ વર્લ્ડ કપ ફ્રાન્સમાં રમાયો હતો, જેમાં અમેરિકા ચૅમ્પિયન બન્યું હતું.