ફ્રેન્ચ લીગની મોખરાની ટીમ પીએસજીનો લેન્સ સામે ૧-૩થી પરાભવ : નવ મહિના પછી પહેલી હાર
Ligue-1
પીએસજીની ટીમને પરાજય તરફ જતા જોઈને કીલિયાન ઍમ્બપ્પે નિરાશ હતો. તસવીર એ.એફ.પી.
આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી, ફ્રાન્સનો કીલિયાન ઍમ્બપ્પે અને બ્રાઝિલનો નેમાર કતાર વર્લ્ડ કપમાં હરીફ દેશની ટીમમાં હતા, પણ ફ્રેન્ચ લીગ તરીકે જાણીતી લીગ-૧ ફુટબૉલ ટુર્નામેન્ટમાં ત્રણેય દિગ્ગજો પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમમાં છે, પરંતુ રવિવારે ત્રણમાંથી બે પ્લેયરની અને ખાસ કરીને મેસીની ગેરહાજરીમાં પીએસજીનો કારમો પરાજય થયો હતો. પીએસજીની માર્ચ મહિના પછીની આ પહેલી હાર છે.
મેસીનો વર્લ્ડ કપ પછીનો બ્રેક હજી પૂરો ન થયો હોવાથી તે આ મૅચમાં નહોતો અને નેમારે ગયા અઠવાડિયાની મૅચમાં રેડ કાર્ડને લીધે પાછા જવું પડ્યું ત્યારે રેફરી સાથે જે વર્તન કર્યું એ બદલ સસ્પેન્શન હેઠળ છે એટલે રવિવારે નહોતો રમ્યો. કીલિયાન ઍમ્બપ્પે ખૂબ થાકેલો હતો અને અસલ ફૉર્મમાં નહોતો એટલે પૉઇન્ટ્સ-ટેબલની બીજા નંબરની લેન્સની ટીમે ફર્સ્ટ-હાફની ૧-૧ની બરાબરી પછી વધુ આક્રમક અપ્રોચ અપનાવી વધુ બે ગોલ કરીને ૩-૧થી વિજય મેળવ્યો હતો. વર્લ્ડ કપમાં ચોથા નંબર પર આવનાર મૉરોક્કોનો અશરફ હાકીમી પણ વર્લ્ડ કપનો થાક ઉતારે એ પહેલાં કોચ ક્રિસ્ટોફ ગૅલ્ટિયરે ઍમ્બપ્પેની સાથે તેને પણ ઉપરાઉપરી બીજી મૅચમાં રમાડ્યો હતો. પરાજય પછી ક્રિસ્ટોફ ખૂબ ગુસ્સામાં હતા, પણ હવે તેમણે ઍન્ગર્ઝ સામેની ગુરુવારની મૅચ માટેની તૈયારી પર ખેલાડીઓને વધુ ધ્યાન આપવાનું માર્ગદર્શન દીધા સિવાય છૂટકો નથી.
ADVERTISEMENT
રોનાલ્ડો કમાશે એક મિનિટના ૩૨,૦૦૦ રૂપિયા
પોર્ટુગલના ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સાઉદી અરેબિયાની અલ-નાસર ક્લબ સાથે વાર્ષિક ૧૭ અબજ રૂપિયાનો વિશ્વવિક્રમી કૉન્ટ્રૅક્ટ કર્યો છે એ મુજબ રોનાલ્ડો મહિનાના સરેરાશ ૧.૩૭ અબજ રૂપિયા, એક દિવસના ૪.૫૪ કરોડ રૂપિયા, એક કલાકના ૧૯ લાખ રૂપિયા, એક મિનિટના ૩૨,૦૦૦ રૂપિયા અને એક સેકન્ડના ૫૨૫ રૂપિયા કમાશે. આ કરાર ૨૦૨૫ની સાલ સુધીનો છે અને તેને પ્રતિ વર્ષ ૧૭ અબજ રૂપિયાની રકમ મળશે જે વ્યક્તિગત ફુટબોલર્સ સાથેના ક્લબ કૉન્ટ્રૅક્ટના ઇતિહાસમાં વિશ્વવિક્રમ છે.