ફુટબૉલના ફાઇટર પ્લેયરની કૅન્સરને લડત આપ્યા બાદ એક્ઝિટ : બ્રાઝિલના લેજન્ડને પાઇલટ બનવું હતું
પેલે ત્રણ વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનનાર વિશ્વના એકમાત્ર ફુટબોલર હતા. તેમણે બ્રાઝિલને બીજી ઘણી સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.
દક્ષિણ અમેરિકાના દેશ બ્રાઝિલના જ નહીં, સમગ્ર સોકરવર્લ્ડના ‘ધ કિંગ’ તરીકે જાણીતા પેલેનું ગુરુવારે અવસાન થયું હતું. તેઓ ૮૨ વર્ષના હતા. એડસન ઍરન્ટેસ ડો નાસિમેન્ટો તેમનું પૂરું નામ હતું અને તેઓ ત્રણ ફિફા વર્લ્ડ કપના ચૅમ્પિયન હતા. તેમના એજન્ટ જો ફ્રેગાએ પેલે વિશેના સમાચારને સમર્થન આપતાં એટલું જ જણાવ્યું હતું, ‘ધ કિંગ હેઝ પાસ્ડ.’
ફુટબૉલની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે ગ્રેટેસ્ટ ખેલાડી પેલે સાથે બીજા માત્ર ત્રણ પ્લેયરનો ઉલ્લેખ કરવામાં આવે છે જેમાંથી સદ્ગત ડિએગો મૅરડોના પેલેની જેમ ગઈ સદીના મહાન ખેલાડી હતા, જ્યારે લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વર્તમાન યુગના સુપરસ્ટાર છે.
ભારતમાં ક્રિકેટ ધર્મની જેમ પૂજાય છે, પરંતુ અન્ય રમતોનો ક્રેઝ થોડાં વર્ષોથી વધી રહ્યો છે અને ભારત સહિત ૨૦૦થી વધુ દેશોને ઘેલું લગાડનાર ‘બ્યુટિફુલ ગેમ’ ફુટબૉલના જાદુગર તરીકે જાણીતા પેલેને આંતરડાનું કૅન્સર થયું હતું અને ઘણા મહિનાથી એની સારવાર હેઠળ હતા. કૅન્સરને કારણે તેમના શરીરના અનેક ભાગ નકામા થઈ ગયા હતા.
ADVERTISEMENT
‘ફિફા પ્લેયર ઑફ ધ સેન્ચુરી’નો અવૉર્ડ મેળવનાર પેલેનું પાઇલટ બનવાનું નાનપણમાં સપનું હતું. જોકે તેઓ મિત્રો સાથે એક વિમાન અકસ્માતના સ્થળે ગયા અને ત્યાં તેમણે જે કાટમાળ જોયો તેમ જ હૉસ્પિટલમાં અકસ્માતગ્રસ્ત લોકોની હાલત જોઈ ત્યારથી તેમણે વિમાન ઉડાડવાનું સપનું જોવાનું માંડી વાળ્યું હતું.
પુત્રીની હૃદયસ્પર્શી પોસ્ટ
પેલેના પરિવારજનો છેલ્લા ઘણા દિવસથી હૉસ્પિટલમાં સતત તેમના પડખે હતા. તેમનાં પુત્રી કેલી નાસિમેન્ટોએ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું છે, ‘આજે અમે બધા જેકંઈ છીએ એ માટે તમને જ આભારી છીએ. અમે તમને બેહદ પ્રેમ કરીએ છીએ. ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.’
બે દાયકા સુધી ચાહકો પર જાદુ
સ્વીડનમાં ૧૯૫૮ના વર્લ્ડ કપમાં બ્રાઝિલે ૧૭ વર્ષના પેલેને દુનિયા સમક્ષ રજૂ કર્યા હતા. ટુર્નામેન્ટના આ યંગેસ્ટ ખેલાડીએ ફાઇનલમાં બ્રાઝિલને યજમાન સ્વીડન સામે ૫-૨થી વિજય મેળવવામાં મોટું યોગદાન આપ્યું હતું. પેલેએ એ અત્યંત રોમાંચક મુકાબલામાં જાદુઈ તરકીબથી બે ગોલ કર્યા હતા. જીત્યા બાદ સાથી-ખેલાડીઓએ તેમને ખભા પર ઊંચકીને મેદાનમાં વિજયી પરેડ કરી હતી. ખરેખર તો પેલે ૧૯૫૩થી ૧૯૭૭ સુધીના અઢી દાયકા સુધી કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓના દિલોદિમાગ પર છવાયેલા રહ્યા હતા. અનેક ફુટબૉલચાહકોને તેમણે પોતાની અનોખી સ્ટાઇલ અને યુક્તિઓથી મોજ કરાવી હતી અને હરીફ ખેલાડીઓને પરેશાન કર્યા હતા. તેઓ બૉલને ખૂબ આસાનીથી પોતાના કબજામાં લઈ લેતા, અનોખી સ્ટાઇલમાં બૉલને નેટની દિશામાં લઈ જતા અને પાવરફુલ શૉટથી અથવા અફલાતૂન હેડરથી બૉલને નેટમાં મોકલી દેતા હતા. તેઓ બ્રાઝિલની નૅશનલ ટીમ ઉપરાંત પ્રોફેશનલ ફુટબૉલમાં સૅન્ટોસ અને ન્યુ યૉર્ક કોસ્મોસ ક્લબ વતી રમ્યા હતા.
મેદાન પર ઝડપી અને ચપળ
પેલે બૉલ પર ઝડપથી કબજો મેળવીને પળવારમાં બૉલને ગોલપોસ્ટમાં પધરાવી દેવા માટે જાણીતા હતા. ઝડપ અને ચપળતા તેમની વિશેષતા હતી. આ મહાન ફુટબોલરમાં ઍથ્લીટ જેવી સ્ફૂર્તિ અને ક્ષમતા જોવા મળતી હતી. સામ્બા તેમના દેશનો જગવિખ્યાત ડાન્સ છે અને મેદાન પર પેલેમાં એ ખાસિયત ઘણી જોવા મળતી હતી. હરીફોને ચક્કર ખવડાવી દે એવા મૂવથી તેઓ મૅચની શરૂઆતથી છેક સુધી બધાના મન પર છવાયેલા રહેતા હતા. તેઓ જે મૅચમાં રમતા એમાં સૌકોઈની નજર ખાસ તેમના પર જ રહેતી.
આંતરવિગ્રહ અટકાવેલો
બ્રાઝિલમાં જ નહીં, બીજા અનેક દેશોમાં પણ પેલે સૌકોઈના લાડકવાયા હતા. ૧૯૬૭માં નાઇજીરિયામાં જે આંતરવિગ્રહ થયો હતો એ દરમ્યાન પેલે દેશમાં એક એક્ઝિબિશન મૅચ રમવા માગતા હતા એટલે સામસામે લડી રહેલાં બે જૂથો થોડો સમય વિગ્રહ અટકાવી દેવા સહમત થયાં હતાં.
‘સર’ પેલે, રેગને સામેથી હાથ મિલાવ્યા
૧૯૯૭માં બ્રિટનનાં રાણી એલિઝાબેથે પેલેને ‘સર’નો ઇલકાબ આપ્યો હતો. પેલે ઉત્તર અમેરિકામાં ફુટબૉલની રમતને લોકપ્રિય બનાવવાના હેતુથી પ્રચારકાર્ય માટે જ્યારે વૉશિંગ્ટન આવ્યા ત્યારે પ્રમુખ રોનાલ્ડ રેગન તેમની પાસે આવ્યા હતા અને પહેલાં તેમણે પેલે તરફ હાથ લંબાવ્યો હતો. હાથ મિલાવતી વખતે તેમણે પેલેને કહ્યું, ‘માય નેમ ઇઝ રોનાલ્ડ રેગન. આય ઍમ ધ પ્રેસિડન્ટ ઑફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા. જોકે તમારે તમારી ઓળખ આપવાની જરૂર નથી, કારણ કે પેલે કોણ છે એ તો દરેક વ્યક્તિ જાણે છે.’
10
પેલે આટલા નંબરનું જર્સી પહેરીને રમ્યા હતા. તેમની પહેલાં આ માત્ર એક સાધારણ નંબર હતો, પરંતુ પેલેએ એ નંબર અપનાવતાં એનું મહત્ત્વ વધી ગયું હતું.
7
પેલેના આટલા સંતાનોમાંના એક એડિન્યો બાવન વર્ષના છે. તેઓ ફુટબોલ ખેલાડી હતા અને હવે ફુટબૉલ કોચ છે.
છાપાના કાગળ ભરેલા મોજાને કિક મારતા : બ્રાઝિલના પ્રથમ અશ્વેત નૅશનલ હીરો બન્યા
પેલે નાનપણમાં ન્યુઝપેપરના ડૂચા કે કચરો ભરેલા મોજાથી મિત્રો અને હરીફ ખેલાડીઓ સાથે રમતા હતા. સાઓ પાઉલોના રસ્તા પર રમીને ફુટબૉલની રમતમાં માહેર થયેલા પેલેને ૧૬ વર્ષની ઉંમરે બ્રાઝિલની સિનિયર નૅશનલ ટીમમાં પહેલી વાર સામેલ કરવામાં આવ્યા હતા. ૧૯૫૭થી ૧૯૭૧ સુધી તેઓ બ્રાઝિલ વતી રમ્યા હતા. તેઓ આધુનિક યુગના પ્રથમ અશ્વેત નૅશનલ હીરો હતા, પરંતુ તેઓ દેશમાં રંગભેદ કે જાતિવાદ વિશે ભાગ્યે જ બોલ્યા હતા. સાઉથ આફ્રિકાની જેમ બ્રાઝિલમાં પણ અમીર-ગરીબ અને શ્વેત-અશ્વેતના ભેદભાવ હતા, પરંતુ પેલેએ વિવાદમાં વધુ પડવાને બદલે પોતાની કરીઅર પર જ ધ્યાન આપ્યું અને સૌકોઈનાં દિલ પર છવાઈ ગયા હતા.
ફુટબૉલ ખરીદવા બૂટ-પૉલિશ કરેલી, ચાની દુકાનમાં નોકરી કરી હતી
પેલેએ નાનપણમાં ઘણો સંઘર્ષ કર્યો હતો. તેમનો પરિવાર ગરીબ હતો, પરંતુ ફુટબૉલ રમવામાં એટલા બધા કુશળ હતા કે પિતા ડૉન્ડિન્યોએ તેમને ફુટબૉલમાં કરીઅર બનાવવા પ્રેરિત કર્યો હતો. ખુદ ડૉન્ડિન્યો પણ બહુ સારા ફુટબૉલ ખેલાડી હતા. તેઓ જ પુત્ર પેલેના ટ્રેઇનર બની ગયા હતા. જોકે પરિવાર ખૂબ ગરીબાઈમાં જીવન ગુજારી રહ્યો હતો એટલે પેલે પાસે ફુટબૉલ કે શૂઝ કે જર્સી ખરીદવા માટે પણ પૈસા નહોતા. આ બધી ચીજો ખરીદવા માટે પેલેએ બૂટ-પૉલિશ તો કર્યું જ હતું, ચાની દુકાનમાં નોકરી પણ
કરી હતી.
પેલેને શ્રદ્ધાંજલિમાં કોણે શું કહ્યું?
લિયોનેલ મેસી : ઈશ્વર મહાન ખેલાડી પેલેના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો : પેલેને કરોડો ચાહકો કદી નહીં ભૂલે. બ્રાઝિલના તમામ લોકોને અને ખાસ કરીને પેલેના પરિવારજનો પ્રત્યે હું ઊંડો શોક વ્યક્ત કરું છું. પેલે લાખો ને કરોડો લોકો માટે પ્રેરણા હતા, છે અને સદા રહેશે. રેસ્ટ ઇન પીસ, કિંગ પેલે.
નેમાર : મહાન ખેલાડી પેલેએ ફુટબૉલની રમતને કળામાં પરિવર્તિત કરી હતી. તેમની ખોટ માત્ર બ્રાઝિલને જ નહીં, સમગ્ર વિશ્વને વર્તાશે.
કીલિયાન ઍમ્બપ્પે : પેલેની ફુટબૉલની કાબેલિયત, ક્ષમતા અને ચપળતા ફુટબૉલપ્રેમીઓ ક્યારેય નહીં ભૂલે.