ચાર કલાકની આ ઇવેન્ટ સોમવારે ૧૩,૮૬૨ ફુટ ઊંચા પૅન્ગૉન્ગ ત્સો વિસ્તારમાં યોજાઈ હતી
લદાખમાં સૌથી ઊંચા થીજી ગયેલા સરોવરમાં હાફ મૅરથૉનનો વિશ્વવિક્રમ
કેન્દ્રશાસિત પ્રદેશ લદાખે નવો ઇતિહાસ રચ્યો છે. વિશ્વના સૌથી ઊંચા પ્રદેશમાં પહેલી વાર હાફ મૅરથૉન સફળતાપૂર્વક યોજીને આ ભારતીય પ્રદેશે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ચાર કલાકની આ ઇવેન્ટ સોમવારે ૧૩,૮૬૨ ફુટ ઊંચા પૅન્ગૉન્ગ ત્સો વિસ્તારમાં યોજાઈ હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વના સૌથી ઊંચા થીજેલા સરોવરની હાફ મૅરથૉન તરીકે એ નોંધવામાં આવી છે. ક્લાઇમેન્ટ ચેન્જની સમસ્યાને કારણે આ ઇવેન્ટનું નામ ‘લાસ્ટ રન’ રાખવામાં આવ્યું હતું અને એ યોજવા પાછળનો મુખ્ય હેતુ હિમાલયને બચાવવાનો તેમ જ સરહદની નજીકના ગ્રામ્ય ભાગોમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો હતો, જેથી સ્થાનિક રહેવાસીઓ માટે આવકનો સ્રોત ઊભો કરી શકાય. કેન્દ્ર સરકારના વિભાગો અને સ્થાનિક સંસ્થાઓએ મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘વાઇબ્રન્ટ વિલેજિસ પ્રોગ્રામ’ હેઠળ આ ઇવેન્ટ રાખી હતી.
ભારત અને ચીનની સરહદ પર ફેલાયેલા ૭૦૦ ચોરસ કિલોમીટરના પૅન્ગૉન્ગ સરોવર ખાતે શિયાળા દરમ્યાન તાપમાન માઇનસ ૩૦ ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે જેને કારણે સૉલ્ટ વૉટર લેક તરીકે ઓળખાતો આ પ્રદેશ બરફથી છવાઈ જાય છે. હાફ મૅરથૉન લુકુન્ગથી શરૂ થઈને માન ગામમાં પૂરી થઈ હતી. એમાં ૭૫ રનર્સે ભાગ લીધો હતો અને એમાંથી કોઈને પણ કોઈ પ્રકારની ઈજા થઈ હોવાનો અહેવાલ નહોતો. ભારતીય લશ્કરી જવાનોએ સ્થાનિક લોકોની મદદથી થીજેલા સરોવરના જે ભાગમાં રનર્સે દોડવાનું હતું આ આખા વિસ્તારને તપાસ્યા પછી જ ઇવેન્ટ શરૂ કરાવી હતી. દરેક રનરને સેફ્ટી ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યાં હતાં. મેન્સ અને વિમેન્સ વર્ગના ટોચના ત્રણ-ત્રણ વિજેતાઓને રોકડ ઇનામ અપાયાં હતાં. આ સમગ્ર જાણકારી લેહ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિશનર શ્રીકાંત બાળાસાહેબ સુસેએ પી.ટી.આઇ.ને આપી હતી.