આયોજકોએ ગઈ કાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ૨૦૧૯ અને ૨૦૨૧ની ચૅમ્પિયન નાઓમીએ ઑસ્ટ્રેલિયન ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે
નાઓમી ઓસાકા
બે વખત ગ્રૅન્ડ સ્લૅમ ચૅમ્પિયન રહેલી નાઓમી ઓસાકા મેલબર્નમાં રમાનારી ઑસ્ટ્રેલિયન ઓપનમાં નહીં રમે. ઘણા બધા જાણીતા ખેલાડીઓ આ વખતે આ ટુર્નામેન્ટમાં નહીં રમે એમાં તેનું પણ નામ ઉમેરાઈ ગયું છે. આયોજકોએ ગઈ કાલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ૨૦૧૯ અને ૨૦૨૧ની ચૅમ્પિયન નાઓમીએ ઑસ્ટ્રેલિયન ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ગયા સપ્ટેમ્બરથી તે એક પણ મૅચ રમી ન હોવાથી તેનો રૅન્કિંગ્સ ઘટીને ૪૭મા ક્રમાંકે પહોંચી ગયો છે. ૨૦૨૧ની ફ્રેન્ચ ઓપનમાં પણ તે માનસિક સ્વાસ્થ્યને કારણે રમી નહોતી. તે છેલ્લાં ઘણાં વર્ષોથી ડિપ્રેશનનો શિકાર બની છે. ઑસ્ટ્રેલિયન ઓપન ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પુરુષોમાં નંબર-વન ખેલાડી કાર્લોસ અલ્કારેઝ પગની ઘૂંટીમાં થયેલી ઈજાને કારણે બહાર થઈ ગયો હતો. ભૂતપૂર્વ ફાઇનલિસ્ટ સિમોના હાલેપ પણ આ વર્ષે નથી રમવાની. ઑકલૅન્ડમાં પ્રૅક્ટિસ દરમ્યાન ઈજાગ્રસ્ત થતાં વીનસ વિલિયમ્સે પણ પોતાની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી પાછી આપી દીધી હતી.

