હારવા છતાં ટાયસન ૧૬૮ કરોડ રૂપિયા લઈ ગયો, વિજેતાને મળ્યા ૩૩૮ કરોડ રૂપિયા
મૅચ પહેલાંના ફેસ-ઑફમાં માઇક ટાયસને જેક પૉલને મારી હતી થપ્પડ, મૅચ જીત્યા બાદ જેક પૉલે દિગ્ગજ બૉક્સર પ્રત્યે બતાવ્યો હતો આદર.
અમેરિકાના રિટાયર્ડ પ્રો-બૉક્સર માઇક ટાયસન અને અમેરિકાના પ્રોફેશનલ બૉક્સર, ઍક્ટર તથા યુટ્યુબર જેક પૉલ વચ્ચે ગઈ કાલે વર્ષની સૌથી મોટી બૉક્સિંગ મૅચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૫૮ વર્ષના માઇક ટાયસનને ૨૭ વર્ષના જેક પૉલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બે-બે મિનિટના આઠ રાઉન્ડ બાદ માઇક ટાયસનથી ૩૧ વર્ષ નાનો જેક પૉલ સર્વાનુમતે વિજેતા જાહેર થયો હતો. જોકે નિર્ણાયકો વિજયના માર્જિન વિશે એકમત નહોતા. એક જજે પૉલને ૮૦-૭૨થી વિજેતા જાહેર કર્યો જ્યારે અન્ય બે જજે તેને ૭૯-૭૩થી વિજેતા જાહેર કર્યો હતો.
૧૯ વર્ષ બાદ પ્રોફેશનલ બૉક્સિંગ રિંગમાં એન્ટ્રી મારનાર ટાયસને શરૂઆતમાં આક્રમકતા દર્શાવી હતી, પરંતુ જેક પૉલ વધુ આક્રમક બન્યો હતો. ટાયસન પાસે તેના કઠોર મુક્કાઓનો કોઈ જવાબ નહોતો. આ લડાઈ મૂળરૂપે ૨૦ જુલાઈએ થવાની હતી, પરંતુ ટાયસન બીમાર પડવાને કારણે એ મુલતવી રાખવામાં આવી હતી. આ મૅચની પ્રાઇઝ-મની ૬૦ મિલ્યન ડૉલર એટલે કે ૫૦૬ કરોડ રૂપિયા હતી જેમાંથી વિજેતા જેક પૉલને ૩૩૮ કરોડ રૂપિયા (૪૦ મિલ્યન ડૉલર) અને મૅચ હારનાર માઇક ટાયસનને લગભગ ૧૬૮ કરોડ રૂપિયા (૨૦ મિલ્યન ડૉલર) મળ્યા છે.