અંગ્રેજ ટીમને હરાવીને FIH પ્રો-લીગમાં વિજયી શરૂઆત કરી
ભારતીય વિમેન્સ ટીમ
ઓડિશાના ભુવનેશ્વરમાં ગઈ કાલે ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશન (FIH)ની પ્રો-લીગ શરૂ થઈ હતી જેમાં ભારતીય વિમેન્સ ટીમે ઇંગ્લૅન્ડ સામે ૩-૨થી જીત મેળવી વિજયી શરૂઆત કરી છે. ભારતીય ટીમે મૅચની છઠ્ઠી અને પચીસમી મિનિટે ગોલ કરીને લીડ મેળવી હતી, જ્યારે ઇંગ્લૅન્ડે ૧૨મી અને ૫૮મી મિનિટે ગોલ કરી મૅચનો સ્કોર બરાબર કર્યો હતો. જ્યારે નવનીત કૌરે અંતિમ વ્હિસલ વાગવાની એક મિનિટ બાકી હતી ત્યારે ૫૯મી મિનિટે વિજયી ગોલ કર્યો હતો.
૨૦૨૬માં બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં આયોજિત હૉકી વર્લ્ડ કપમાં ક્વૉલિફાય થવા માટે આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. ભારતીય વિમેન્સ ટીમ ૧૫માંથી આઠ વર્લ્ડ કપ રમી છે, જેમાંથી વર્ષ ૧૯૭૪માં ફ્રાન્સમાં રમાયેલા વર્લ્ડ કપમાં ભારતીય વિમેન્સ ટીમે સર્વોચ્ચ ચોથું સ્થાન મેળવ્યું હતું. ૨૦૨૨માં નેધરલૅન્ડ્સ અને સ્પેનમાં રમાયેલા વર્લ્ડ કપમાં આપણી ટીમ નવમા ક્રમે રહી હતી.

