ક્રોએશિયાના ઇગૉર સ્ટિમૅકે કહ્યું કે ‘મહેરબાની કરીને ભારતીય ફુટબૉલ ટીમને એશિયાડમાં મોકલવાની પરવાનગી અપાવડાવો’
ફાઇલ તસવીર
છેલ્લા થોડા દિવસો દરમ્યાન ભારતીય ફુટબૉલની ટીમને ઊંચા સ્તર સુધી લઈ જનાર વિદેશી કોચ ઇગૉર સ્ટિમૅકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરતાં કહ્યું છે કે ‘આપની સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી સિલેક્શનને લગતા પોતાના માપદંડને આધારે ભારતીય ફુટબૉલ ટીમને આગામી એશિયન ગેમ્સ (એશિયાડ)માં રમવા મોકલવા નથી માગતી, પરંતુ હું તાકીદે તમારા ધ્યાનમાં એક બાબત લાવવા માગું છું કે આપણી અન્ડર-૨૩ ટીમ ઘણી જ ટૅલન્ટેડ છે અને એશિયાની ઘણી ટીમો કરતાં મજબૂત છે છતાં એને એશિયાડથી વંચિત કેમ રાખવામાં આવી રહી છે. મહેરબાની કરીને ભારતની આ સ્ટ્રૉન્ગ ટીમને એશિયાડમાં ભાગ લેવા મોકલો.’
ક્રોએશિયાના સ્ટિમૅકે સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરને પણ આવી વિનંતી કરી છે. ચીનમાં ૨૩ સપ્ટેમ્બરે એશિયાડ શરૂ થશે. ગયા વખતે (૨૦૧૮માં) પણ ભારતે આવા જ માપદંડને આધારે ફુટબૉલ ટીમને નહોતી મોકલી.
ADVERTISEMENT
ફુટબૉલ-વિશ્વમાં ભારતીય ફુટબૉલ ટીમ ફરી ટૉપ-૧૦૦માં આવી ગઈ છે, પરંતુ એશિયા રીજન (એશિયા ફુટબૉલ કન્ફેડરેશન)માં ૧૮મા સ્થાને છે. દેશના ખેલકૂદ મંત્રાલયની તમામ સ્પોર્ટ્સ ફેડરેશનોને સૂચના છે કે એશિયામાં ભારતની જે પણ રમતની ટીમ છેલ્લા એક વર્ષમાં ટૉપ-૮ રૅન્કિંગમાં હોય તો જ એ રમતની ભારતીય ટીમને એશિયન સ્પર્ધામાં મોકલવી.
ભારતીય ફુટબૉલ ટીમની રૅન્ક ૧૮મા સ્થાને છે અને સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીના માપદંડ મુજબ ટૉપ-૮માં નથી આવતી એટલે ચીનમાં થનારા એશિયાડમાં ભારત સરકાર ફુટબૉલ ટીમને ભાગ લેવા નથી મોકલવાની.
જોકે પી. ટી. આઇ.ના અહેવાલ મુજબ સ્ટિમૅકે પીએમ મોદીને લેટરમાં એવું પણ લખ્યું છે કે ‘એક દિવસ ભારતમાં ફિફા વર્લ્ડ કપ યોજાશે એવું ભારતનું જે સપનું છે એને તમે જ હંમેશાં સપોર્ટ કર્યો છે. મને ખાતરી છે કે ભારતીય ફુટબોલર્સ તાજેતરમાં બે ટુર્નામેન્ટમાં ચૅમ્પિયન બન્યા એ જ રીતે સફળ થતા રહેશે તો ભારતીય ટીમ ફુટબૉલ વિશ્વમાં આગળ પડતી ગણાશે એ દિવસ હવે બહુ દૂર નથી.’