સ્પેનને ૨-૦થી હરાવ્યું : રોહિદાસ અને હાર્દિક સિંહે અપાવી જીત: ઇંગ્લૅન્ડનો ૫-૦થી વિજય
ડાંગરનાં છોતરાંમાંથી બનાવી ટ્રોફી : ચક દે ઇન્ડિયા ભારતના જાણીતા સૅન્ડ આર્ટિસ્ટ અને પદ્મશ્રી અવૉર્ડ-વિજેતા સુદર્શન પટનાઇકે ઓડિશામાં સોનેપુરના ઇન્ડોર સ્ટેડિયમમાં ડાંગરનાં ૧૦૦ જેટલી ગુણીમાં ભરેલાં છોતરાંની મદદથી ‘ચક દે ઇન્ડિયા’ના જગવિખ્યાત સ્લોગન સાથે ટ્રોફી બનાવી છે. તેમણે ૪૬૮૨ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં આ ટ્રોફી બનાવવા પોતાની ઇન્સ્ટિટ્યૂટના ૧૦ વિદ્યાર્થીની મદદ લીધી હતી. આ મૉઝેક આર્ટ છ કલાકમાં બનાવાયું હતું.
૪૮ વર્ષ પછી ફરી એકવાર મેન્સ હૉકીનો વર્લ્ડ કપ જીતવા માગતું ભારત ગઈ કાલે પહેલી જ મૅચમાં વિજેતા બન્યું હતું. ઓડિશામાં રુરકેલાના ગ્રાઉન્ડમાં ભારતે સ્પેનને ૨-૦થી હરાવી દીધું હતું. અમિત રોહિદાસ અને હાર્દિક સિંહે એક-એક ગોલ કર્યો હતો. આ બે ગોલ અનુક્રમે ૧૩મી અને ૨૭મી મિનિટમાં થયા હતા.
રુરકેલામાં બિરસા મુન્ડા ઇન્ટરનૅશનલ હૉકી સ્ટેડિયમ બિલકુલ નવું છે અને એમાં ભારતે વિજયીઆરંભ કર્યો છે. ભારત ૧૯૭૫માં પાકિસ્તાનને ફાઇનલમાં હરાવી વિશ્વવિજેતા બન્યું હતું. જોકે આ વખતે પાકિસ્તાન ક્વૉલિફાય જ નથી થયું.
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાનો ૮-૦થી વિજય
ગઈ કાલે બપોરે શરૂઆતની મૅચોમાંની એક મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ફ્રાન્સને ૮-૦થી હરાવીને તરખાટ મચાવ્યો હતો. આર્જેન્ટિનાનો સાઉથ આફ્રિકા સામે ૧-૦થી અને ઇંગ્લૅન્ડનો વેલ્સ સામે ૫-૦થી વિજય થયો હતો. હૉકીમાં થોડાં વર્ષોથી ઑસ્ટ્રેલિયા તેમ જ બેલ્જિયમ સહિતના યુરોપના દેશોનું વર્ચસ રહ્યું છે.