Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ગુકેશને વિશ્વનાથન આનંદની સલાહઃ ટીકાઓ અને વિવાદોને ગણકારવાં નહીં

ગુકેશને વિશ્વનાથન આનંદની સલાહઃ ટીકાઓ અને વિવાદોને ગણકારવાં નહીં

Published : 14 December, 2024 11:47 AM | Modified : 14 December, 2024 12:07 PM | IST | Singapore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રશિયન ચેસ ફેડરેશનના પ્રેસિડન્ટ કહે છે કે ચીનનો પ્લેયર જાણીજોઈને હારી ગયો: ભૂતપૂર્વ વર્લ્ડ ચૅ​મ્પિયન વ્લાદિમિર ક્રૅમનિક કહે છે કે ચેસ માટે આ દુખદ દિવસ

ગઈ કાલે સિંગાપોરમાં FIDE વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપના સમાપન સમારોહમાં ગુકેશ ડી.

ગઈ કાલે સિંગાપોરમાં FIDE વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપના સમાપન સમારોહમાં ગુકેશ ડી.


રશિયન ચેસ ફેડરેશનના પ્રેસિડન્ટ કહે છે કે ચીનનો પ્લેયર જાણીજોઈને હારી ગયો: ભૂતપૂર્વ વર્લ્ડ ચૅ​મ્પિયન વ્લાદિમિર ક્રૅમનિક કહે છે કે ચેસ માટે આ દુખદ દિવસ: પાંચ વાર વર્લ્ડ ચૅમ્પિયન બનેલો મૅગ્નસ કાર્લસન કહે છે કે વર્લ્ડ ચૅ​મ્પિયનશિપના બે દાવેદાર રમતા હોય એવું લાગતું જ નહોતું


ચીનનો ડિન્ગ લિરેન વર્લ્ડ ચેસ ચૅ​મ્પિયનશિપમાં ભારતના ગુકેશ ડી. સામે જાણીજોઈને હારી ગયો એવો આરોપ કરીને રશિયન ચેસ ફેડરેશનના પ્રેસિડેન્ટ અને ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન (FIDE)ના માનદ સભ્ય ઍન્દ્રેઇ ફિલાતોવે વિવાદ ઊભો કર્યો છે. ફિલાતોવે માગણી કરી છે કે FIDE દ્વારા મૅચની નિર્ણાયક ક્ષણોનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે. ફિલાતોવનું કહેવું છે કે બન્ને ખેલાડીઓ વચ્ચેની લાસ્ટ ગેમના પરિણામને લીધે પ્રોફેશનલ્સ તથા ચેસના ચાહકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે, નિર્ણાયક તબક્કે ચીની ચેસ ખેલાડીએ જે કર્યું એ અત્યંત શંકાસ્પદ છે અને FIDE દ્વારા એની તપાસ થવી જોઈએ.



ઍન્દ્રેઇ ફિલાતોવના આ આરોપો ઉપરાંત ગુકેશ અને લિરેન વચ્ચેની મૅચમાં જોવા મળેલી ચેસની ક્વૉલિટીની કેટલાક દિગ્ગજોએ પણ ટીકા કરી છે. ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન વ્લાદિમિર ક્રૅમનિકે નિરાશા જતાવતાં, પરિણામને ‘દુખદ’ ગણાવતાં કહ્યું હતું કે આપણે જે ચેસ જાણીએ છીએ એનો અંત આવ્યો છે. ચીનના ડિન્ગ લિરેનની નિર્ણાયક તબક્કાની રમત વિશે કમેન્ટ કરતાં ક્રૅમનિકે કહ્યું હતું કે આજ પહેલાં ક્યારેય આવા બાલિશ મૂવ પરથી વર્લ્ડ ચૅમ્પિયનશિપનું રિઝલ્ટ આવતું જોવા નથી મળ્યું.


પાંચ વાર વર્લ્ડ ચૅમ્પિયન બનેલા નૉર્વેના મૅગ્નસ કાર્લસને આ મૅચના શરૂઆતના રાઉન્ડની ટીકા કરતાં કહ્યું હતું કે એવું લાગતું જ નહોતું કે વર્લ્ડ ચૅમ્પિયનશિપના બે દાવેદારો વચ્ચે મૅચ રમાઈ રહી છે.

જોકે આ બધી ટીકાઓ વચ્ચે ગુકેશના મેન્ટર વિશ્વનાથન આનંદે તેને આ વિવાદને ન ગણકારવાની સલાહ આપી છે. આનંદે કહ્યું હતું કે ‘દરેક મૅચ સાથે ટીકા તો આવે જ, તમારે એને નજરઅંદાજ કરવાની હોય. તમને ગુકેશની સિદ્ધિ, તેની આવડત ખબર છે. તેણે આ વર્ષે ઘણું સાબિત કરી દેખાડ્યું છે. તમે વર્લ્ડ ચૅમ્પિયન બનો અને આવી છૂટક ટીકાઓ ન થાય એવી અપેક્ષા તમે ન રાખી શકો.’


વર્લ્ડ ચૅમ્પિયન બન્યો એનો મતલબ એ નથી કે હું બેસ્ટ પ્લેયર છું, એ તો મૅગ્નસ કાર્લસન છે: ગુકેશ

યંગેસ્ટ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બન્યા પછી પણ ગુકેશ ડી.એ નમ્રતા જાળવી રાખી છે. ગુરુવારે સિંગાપોરમાં ચૅમ્પિયન બન્યા પછી તેણે મીડિયાને કહ્યું હતું કે હું વર્લ્ડ ચૅમ્પિયન બની ગયો એનો મતલબ એ નથી કે હું બેસ્ટ પ્લેયર છું, બેસ્ટર પ્લેયર તો સ્વાભાવિક રીતે મૅગ્નસ કાર્લસન છે.

ગુકેશને પડકારવાનો મારો કોઈ ઇરાદો નથી : કાર્લસન

ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસનનું કહેવું છે કે ભવિષ્યમાં નવા ચૅમ્પિયન ગુકેશ ડી.ને પડકારવાનો તેનો કોઈ ઇરાદો નથી. ૨૦૨૨માં મોટિવેશનના અભાવે વર્લ્ડ ચૅમ્પિયનશિપની સાઇકલમાંથી ખસી ગયેલા નૉર્વેના મૅગ્નસ કાર્લસને સ્પષ્ટ કર્યું છે કે વર્લ્ડ ટાઇટલ્સ માટે ખેલાતાં યુદ્ધોના સર્કસનો હવે તે હિસ્સો નથી રહ્યો.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2024 12:07 PM IST | Singapore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK