આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામેની ફાઇનલ ૩-૩થી ડ્રૉ રહ્યા પછી પેનલ્ટી-શૂટઆઉટમાં ૪-૨થી વિજય મેળવીને ત્રીજી વાર ટ્રોફી મેળવી હતી
૨૦૨૨ના યાદગાર અંત બદલ ફૅમિલી અને ફ્રેન્ડ્સનો ખૂબ-ખૂબ આભાર : મેસી
ખેલકૂદ જગતે ગયા અઠવાડિયે બ્રાઝિલના સોકર-લેજન્ડ પેલેને ગુમાવ્યા એ જોતાં વર્ષ ૨૦૨૨નો અંત કમનસીબ ગણી શકાય, પરંતુ એનાં બે અઠવાડિયાં પહેલાં ફુટબૉલ જગતે અભૂતપૂર્વ ફિફા વર્લ્ડ કપ ફાઇનલ માણી અને એ બદલ કરોડો ફુટબૉલપ્રેમીઓ હજી પણ રોમાંચિત હશે, પરંતુ એ જીતના સુપરસ્ટાર લિયોનેલ મેસીના દિલોદિમાગમાં આનંદ હજીયે સમાતો નથી.
આર્જેન્ટિનાએ ફ્રાન્સ સામેની ફાઇનલ ૩-૩થી ડ્રૉ રહ્યા પછી પેનલ્ટી-શૂટઆઉટમાં ૪-૨થી વિજય મેળવીને ત્રીજી વાર ટ્રોફી મેળવી હતી. અગાઉના ૧૯૮૬ના ચૅમ્પિયનપદના હીરો ડિએગો મૅરડોના હતા તો આ વખતે મેસીએ સમગ્ર સોકરજગત ગજાવ્યું હતું. મેસીએ ઇન્સ્ટાગ્રામ પર ૨૦૨૩ના નવા વર્ષની પૂર્વસંધ્યાએ હૃદયસ્પર્શી સંદેશમાં લખ્યું હતું કે ‘૨૦૨૨ના વર્ષનો જે રીતે અંત થયો એ હું ક્યારેય નહીં ભૂલું. વર્ષોથી મેં જે સપનું સેવ્યું હતું એ છેવટે સાકાર થયું. એ માટે હું મારી વન્ડરફુલ ફૅમિલીનો અને ફ્રેન્ડ્સનો આભાર માનું છું. તેમણે હંમેશાં મને સપોર્ટ કર્યો અને જ્યારે પણ કરીઅરમાં મારો ખરાબ સમય આવ્યો ત્યારે તેમણે મને નૈતિક ટેકો આપ્યો અને ક્યારેય મને હતાશ નથી થવા દીધો. હું ખાસ કરીને આર્જેન્ટિના અને તમામ દેશવાસીઓનો તેમ જ પૅરિસ તથા બાર્સેલોનાનો પણ આભારી છું. આશા રાખું છું કે નવું વર્ષ દરેક વ્યક્તિ માટે ઘણું સારું નીવડે. ૨૦૨૩માં દરેક જણનું આરોગ્ય સારું રહે, ઈશ્વર તેમને શક્તિ આપે અને તેઓ હંમેશાં ખુશ રહે એવી શુભેચ્છા આપું છું.’