ઇંગ્લૅન્ડના કૅપ્ટનનો ૧૧મી મૅચની કૅપ્ટન્સીનો રેકૉર્ડ, પહેલી પેનલ્ટી કિકમાં સરસાઈ અપાવી, પણ બીજી કિકમાં દાટ વાળ્યો
FIFA World Cup
ફ્રાન્સના ઑલિવિયર ઝિરુ (બ્લુ જર્સીમાં)એ હેડરથી ગોલ કરીને ફ્રાન્સને ૨-૧થી સરસાઈ અપાવી હતી. આ ગોલ મૅચવિનિંગ બન્યો હતો. તસવીર એ.પી./પી.ટી.આઇ.
ઇંગ્લૅન્ડનું ૫૬ વર્ષે ફરી એક વાર ફિફા વર્લ્ડ કપનું ચૅમ્પિયન બનવાનું સપનું શનિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સ સામેના ક્વૉર્ટર ફાઇનલના શૉકિંગ પરાજયને લીધે ચકનાચૂર થઈ ગયું હતું. એકંદરે ઇંગ્લિશ ટીમનો પર્ફોર્મન્સ ઘણો સારો હતો અને કૅપ્ટન હૅરી કેન ટીમને વિજય તરફ દોરી રહ્યો હતો અને એમાં તેણે સેકન્ડ-હાફમાં પેનલ્ટી કિકમાં ગોલ કરીને ઇંગ્લૅન્ડને ૧-૧થી ફ્રાન્સની બરાબરીમાં લાવી દીધું હતું. તેનો એ ઐતિહાસિક ગોલ હતો, પરંતુ ખુદ હૅરી કેન બીજી પેનલ્ટી કિકમાં બેફામ શૉટને કારણે ગોલ નહોતો કરી શક્યો અને એ પહેલાં જ ૨-૧થી આગળ થઈ ગયેલું ફ્રાન્સ છેવટે ૨-૧થી જીતીને સેમી ફાઇનલમાં પહોંચી ગયું હતું.
ફ્રાન્સના ઑરેલી ટ્વીમેનીએ ૧૭મી મિનિટે ગોલ કરીને ફ્રાન્સને ૧-૦થી સરસાઈ અપાવી ત્યાર બાદ ઇંગ્લિશ ખેલાડીઓએ આખા ફર્સ્ટ હાફમાં છેક સુધી પોતાના પહેલા ગોલ માટે ભારે સંઘર્ષ કર્યો હતો. બીજા હાફની શરૂઆતથી બ્રિટિશ ટીમ વધુ અટૅકિંગ બની હતી. ઇંગ્લૅન્ડના એક ખેલાડી સાથેના ફાઉલને પગલે પેનલ્ટી કિક મળતાં રેફરીએ ઇંગ્લૅન્ડને પેનલ્ટી કિક આપી હતી. ૫૪મી મિનિટે મળેલી આ સ્પૉટ-કિકમાં હૅરી કેને એક્સાઇટિંગ શૉટથી ગોલ કરીને ઇંગ્લૅન્ડને ફ્રાન્સ સાથે ૧-૧ની બરાબરીમાં લાવી દીધું હતું.
ADVERTISEMENT
હૅરી કેને ઇંગ્લૅન્ડ વતી વર્લ્ડ કપમાં ૧૧મી મૅચમાં કૅપ્ટન્સી સંભાળી હતી જે ઇંગ્લૅન્ડની મેન્સ ટીમના કૅપ્ટનોમાં વિક્રમ છે. હૅરી કેન એ પેનલ્ટી કિકવાળા ગોલ સાથે ઇંગ્લૅન્ડ વતી હાઇએસ્ટ ગોલ કરનાર વેઇન રૂનીની બરાબરીમાં આવી ગયો હતો. ઇંગ્લૅન્ડ વતી હવે રૂની અને કેન બન્નેના ૫૩-૫૩ ગોલ છે.
૨૯ વર્ષના હૅરી કેનના આ ગોલ સાથે બન્ને ટીમ વચ્ચે ખરી હરીફાઈ શરૂ થઈ હતી, પણ ૭૮મી મિનિટે ફ્રાન્સના ઑલિવિયર ઝિરુએ ગોલ કરીને ટીમને ૨-૧થી લીડ અપાવી હતી. ફ્રેન્ચ પ્લેયરના બૉક્સની અંદરના બીજા ફાઉલમાં ઇંગ્લૅન્ડને ફરી પેનલ્ટી કિક મળી હતી, પણ હૅરી કેનની કિકમાં બૉલ ગોલપોસ્ટની ઉપરથી પસાર થઈ જતાં ખુદ કેન અને બ્રિટિશ ખેલાડીઓ તથા પ્રેક્ષકો સ્તબ્ધ થઈ ગયા હતા.
60
ફ્રાન્સની ટીમ બૅક-ટુ-બૅક વર્લ્ડ કપ જીતશે તો આટલાં વર્ષ પછીની પહેલી ટીમ ગણાશે. બ્રાઝિલ ૧૯૫૮માં અને પછી ૧૯૬૨માં ચૅમ્પિયન બન્યું હતું.
મારા માટે આ શૉકિંગ પરાજય પચાવવો બહુ ભારે છે. જીવનભર આ આઘાત સાથે જીવવું પડશે. મારી ટીમે ઘણું સારું પર્ફોર્મ કર્યું, પરંતુ કૅપ્ટન તરીકે બીજી પેનલ્ટી-કિકમાં નિષ્ફળ ગયો એટલે પરાજયની જવાબદારી હું લઉં છું. : હૅરી કેન
શનિવારે બીજી પેનલ્ટી-કિકમાં ગોલ કરવામાં નિષ્ફળ ગયા બાદ હતાશ ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી કેન.
ઇંગ્લૅન્ડનો સાતમી વાર ક્વૉર્ટર ફાઇનલની એક્ઝિટનો વિક્રમ
ઇંગ્લૅન્ડ એકમાત્ર ૧૯૬૬માં ફિફા વર્લ્ડ કપ જીત્યું હતું. ત્યાર પછી તે અનેક પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યું છે અને શનિવારની ફ્રાન્સ સામેની ૧-૨ની હાર એનું લેટેસ્ટ ઉદાહરણ છે. ટૂંકમાં, ઇંગ્લૅન્ડ વર્લ્ડ કપમાં ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં જ બહાર થઈ ગયું હોય એવું સાતમી વાર બન્યું છે અને આવું બીજા કોઈ દેશની બાબતમાં નથી બન્યું. ફ્રાન્સની વાત કરીએ તો ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે કોઈ ટીમ સેમી ફાઇનલમાં પહોંચી હોય એવું ૧૯૯૮ બાદ પહેલી વાર બન્યું છે. ત્યારે (૨૪ વર્ષ પહેલાં) બ્રાઝિલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે સેમીમાં એન્ટ્રી કરી હતી. જોકે ૧૯૯૮ના એ વર્લ્ડ કપમાં ફ્રાન્સ ચૅમ્પિયન બન્યું હતું.