ક્રોએશિયા ૨૦૧૮માં સિલ્વર મેડલ જીતતાં પહેલાં ૧૯૯૮માં કાંસ્યચંદ્રક જીત્યું હતું : મૉરોક્કો જીતશે તો એનું પહેલું મેડલ કહેવાશે
૨૩ નવેમ્બરે મૉરોક્કોના ખેલાડીઓ (ડાબે)ની સામે ક્રોએશિયાના પ્લેયર્સ (જમણે)નો પર્ફોર્મન્સ થોડો ચડિયાતો હતો. જોકે મૅચ ૦-૦થી ડ્રૉમાં ગઈ હતી. આ વર્લ્ડ કપમાં ત્યાર પછી મોટા અપસેટ શરૂ થયા હતા.
૨૦૧૮ના ફિફા વર્લ્ડ કપમાં રનર-અપ બનેલા ક્રોએશિયાની સફર આ વખતે મંગળવારે આર્જેન્ટિનાએ ૩-૦ના વિજય સાથે અટકાવી દીધી અને પહેલેથી જ છેલ્લાં ચાર સ્થાનમાં પહોંચીને આફ્રિકા ખંડ વતી નવો ઇતિહાસ રચનાર મૉરોક્કોની સફર બુધવારે ફ્રાન્સે ૨-૦ની જીત સાથે પૂરી કરાવી. સેમી ફાઇનલમાં હારેલી આ બે ટીમો (ક્રોએશિયા-મૉરોક્કો) વચ્ચે આજે ત્રીજા સ્થાન માટે ટક્કર છે.
ફિફા વર્લ્ડ કપની રેકૉર્ડ-બુકમાં ચૅમ્પિયન અને રનર-અપ ટીમ જેટલું તો મહત્ત્વ ત્રીજા નંબરે આવતી ટીમનું નથી જ, પરંતુ જે દેશ બ્રૉન્ઝ મેડલ જીતે એના દેશમાં ફુટબૉલની રમતની લોકપ્રિયતા જરૂર વધી જાય અને સોકરપ્રેમીઓને સેમી ફાઇનલમાં સફળ ન થઈ શકેલા પોતાના ખેલાડીઓ પર થોડું માન પણ વધી જાય.
ADVERTISEMENT
ઈજાઓને લીધે મૉરોક્કોનું ડિફેન્સ નબળું
મૉરોક્કોનું ડિફેન્સ સૉલિડ છે અને એટલે જ ફ્રાન્સ સામેની સેમી ફાઇનલ પહેલાં એની સામે એક પણ ટીમ ગોલ નહોતી કરી શકી. મૉરોક્કોની તકલીફ એ છે કે એના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાથી ટીમનું ડિફેન્સ નબળું પડી ગયું છે. આ ટુર્નામેન્ટમાં આગલી પાંચ મૅચમાં જે ટીમ (મૉરોક્કો) સામે કોઈ પણ હરીફ ટીમ ગોલ નહોતી કરી શકી એની સામે ફ્રાન્સે બુધવારે બબ્બે ગોલ કરીને એને હરાવ્યું હતું. એના પરથી આવતી કાલની ફાઇનલની હરીફ આર્જેન્ટિનાની ટીમ પોતાનું આક્રમણ વધુ મજબૂત કરવાની યોજના ઘડી રહી હશે.
૨૪ વર્ષે ફરી બ્રૉન્ઝ જીતવાની તક
ક્રોએશિયા ૨૦૧૮માં રશિયાના વર્લ્ડ કપમાં બીજા નંબરે આવતાં સિલ્વર-મેડલ વિજેતા જાહેર થયું હતું. યુરોપ ખંડના ક્રોએશિયાને બ્રૉન્ઝ મેડલ જીતવાનો પણ અનુભવ છે. ૧૯૯૮માં એ પહેલી જ વાર વર્લ્ડ કપ રમ્યું હતું અને બ્રૉન્ઝ જીત્યું હતું. એ વર્લ્ડ કપમાં ક્રોએશિયાએ ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં નેધરલૅન્ડ્સને ૨-૧થી હરાવ્યું હતું. એ ટુર્નામેન્ટની ફાઇનલમાં ફ્રાન્સે બ્રાઝિલને ૩-૦થી હરાવ્યું હતું.
બન્ને દેશની સંભવિત ટીમ
ક્રોએશિયા : લિવાકોવિચ (ગોલકીપર), જુરાનોવિચ, લૉવરેન, સૂટાલો, સૉસા, મૉડ્રિચ, જૅકિચ, કૉવાસિચ, વ્લાસિચ, ક્રૅમારિચ અને પેરિસિચ.
મૉરોક્કો : બૉનો (ગોલકીપર), હકીમી, અલ-યામિક, ડારી, અતિયાત-અલ્લા, ઔનાહી, અમ્રાબત, અમલ્લા, ઝિયશ, એન-નેસિરી અને બૉઉફાલ.
2
બન્ને દેશ વચ્ચે માત્ર આટલી મૅચ રમાઈ છે. ૧૯૯૬માં ક્રોએશિયાએ મૉરોક્કોને પેનલ્ટી શૂટઆઉટમાં ૭-૬થી હરાવ્યું હતું. વર્તમાન વર્લ્ડ કપની શરૂઆતની બન્ને દેશ વચ્ચેની મૅચ ૦-૦થી ડ્રૉ ગઈ હતી.
મેસીને ઈજા, પ્રૅક્ટિસ ટાળી
આવતી કાલની ફાઇનલ સાથે બાવીસમા ફિફા વર્લ્ડ કપ પર પડદો પડશે. ફ્રાન્સ સામે જો આર્જેન્ટિના જીતશે આ ‘કતારનો વર્લ્ડ કપ’ નહીં, પણ ‘મેસીનો વર્લ્ડ કપ’ તરીકે ઓળખાશે. એક સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલને પહેલી વાર ચૅમ્પિયન ન બનાવી શક્યો, પણ બીજા સુપરસ્ટાર મેસીને તેનાથી ચડિયાતા પુરવાર થવાનો મોકો છે. જોકે મેસીના ચાહકો માટે બૅડ ન્યુઝ છે કે તે ગઈ મૅચમાં નડેલી સાથળની ઈજામાંથી હજી પૂરો બહાર નથી આવ્યો. તે ૧૦૦ ટકા ફિટ નથી અને એક અહેવાલ મુજબ બે દિવસથી તેણે પ્રૅક્ટિસ નથી કરી. ક્રોએશિયા સામેની સેમીમાં તેને વારંવાર સાથળના સ્નાયુઓનો દુખાવો નડ્યો હતો.

