ઇન્ટર માયામી ટીમ વતી રમવા આવી પહોંચેલા મેસીને કારણે સમગ્ર શહેરમાં ખુશીની લહેર : ૩૬ વર્ષના સુપરસ્ટાર ફુટબોલરની નિવૃત્તિનો સમય બહુ દૂર ન હોવાથી ઉદાસીનતા છવાઈ
માયામીમાં એક સ્થળે મેસીનું વિશાળ પેઇન્ટિંગ બનાવવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી.
દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનાનો સુપરસ્ટાર ફુટબોલર લિયોનેલ મેસી યુએસએના ફ્લૉરિડા સ્ટેટમાં આવી ગયો છે અને પાટનગર માયામીમાં તેની પહેલી મૅચ રમાવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે આખા માયામીમાં મેસી-મેનિયા છવાઈ ગયો છે. ઠેર-ઠેર મેસીનાં કટઆઉટ્સ લગાડવામાં આવી રહ્યાં છે તો ક્યાંક પેઇન્ટરની પીંછીની કમાલ જોવા મળી રહી છે. અમુક રેસ્ટોરાંમાં મેસીના નામની વાનગીઓ સર્વ કરવામાં આવી રહી છે. એક બિયરની બૉટલ પર પિન્ક કલરનું લેબલ છે. મેસી ઇન્ટર માયામી ટીમ વતી રમવાનો છે અને એ ટીમની જર્સીનો રંગ પિન્ક છે.
માયામીમાં જ્યાં જુઓ ત્યાં મેસીના આગમનની જ વાતો થઈ રહી છે. તે મેજર લીગ સૉકર (એમએલએસ)માં ઇન્ટર માયામીની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ ટીમ ઘણાં અઠવાડિયાંઓથી સારું નથી રમી રહી એટલે હવે એના પર્ફોર્મન્સના પરિવર્તન માટે ટીમના માલિકોને મેસી પાસે બહુ મોટી અપેક્ષા છે. એવું મનાય છે કે મેસી ૨૧ જુલાઈએ માયામી વતી પહેલી મૅચ રમશે.
એક તરફ માયામીમાં મેસી આવવાથી તેના અનેક ચાહકો બેહદ ખુશ છે અને તેની પ્રથમ મૅચ ક્યારે રમાય એની રાહ જોઈ રહ્યા છે, તો બીજી બાજુ તેના જ કેટલાક ચાહકો ઉદાસ છે. તેમનું કહેવું છે કે મેસી ૩૬ વર્ષનો થઈ ગયો છે એટલે કરીઅરના છેલ્લા તબક્કામાં કહી શકાય અને એ જોતાં તેના રિટાયરમેન્ટનો સમય બહુ દૂર નથી.
મેસી ૧૭ વર્ષની કરીઅરમાં ૭ વખત સૉકર જગતનો સૌથી પ્રતિષ્ઠિત બલોં ડોર અવૉર્ડ જીતી ચૂક્યો છે. એ.પી.ના રિપોર્ટરને ફિયૉરિટો રેસ્ટોરાં જ્યાંની દીવાલ પર મેસીનું વૉલસાઇઝ પેઇન્ટિંગ બનાવાયું છે એ રેસ્ટોરાંના માલિક મૅક્સિમિલાનો અલ્વારેઝે કહ્યું કે ‘મેસી માયામીમાં આવ્યો એ બહુ સારું થયું, કારણ કે જેમ મેં આર્જેન્ટિનાના લેજન્ડ ડિએગો મૅરડોનાને રમતો જોયો હતો એમ મારાં સંતાનો મેસીને રમતો જોશે. જોકે હું થોડો દુખી પણ છે, કારણ કે મેસીની નિવૃત્તિનો સમય હવે બહુ દૂર નથી.’
ADVERTISEMENT
માયામીમાં ઘણી દુકાનોમાં મેસીના ૧૦ નંબરવાળાં પિન્ક ટી-શર્ટ વેચાઈ રહ્યાં છે. તસવીર એ.એફ.પી.
મેસી મંગળવારે માયામી પહોંચ્યો હતો અને બીજા દિવસે પત્ની તથા ત્રણેય પુત્રો સાથે એક રેસ્ટોરાંમાં ગયો હતો. મેસી રેસ્ટોરાંની બહાર નીકળ્યો ત્યારે એક ચાહક પહેલાં તેને ભેટ્યા પછી તેણે તેનો ગાલ ચૂમી લીધો હતો.
1,00,000
અમેરિકાના માયામી શહેરમાં મૂળ આર્જેન્ટિનાના આટલા લોકો રહે છે. ૨૦૨૬માં ફિફા વર્લ્ડ કપની અમુક મૅચો માયામીમાં રમાવાની છે.
મેસીના નામની સૅન્ડવિચ
(૧) માયામીમાં મૂળ આર્જેન્ટિના નાગરિકની ‘ધ નાઇફ’ રેસ્ટોરાંમાં મળે છે મેસી મૉજિતો.
(૨) ‘હાર્ડ રૉક કૅફે’માં મેસી ચિકન સૅન્ડવિચ વેચાવાની શરૂ થઈ છે.
(૩) પ્રિઝન પાલ્સ બ્રુઇંગ કંપની વેચે છે મેસીની જર્સીના ૧૦ નંબરવાળું બિયર જેના કૅનને પિન્ક કલર અપાયો છે. ઇન્ટર માયામી વતી મેસી પિન્ક કલરની જર્સી પહેરીને રમવાનો છે.

