Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ૪૧ વર્ષ બાદ ​‘ચક દે ઇન્ડિયા’

૪૧ વર્ષ બાદ ​‘ચક દે ઇન્ડિયા’

Published : 06 August, 2021 12:53 PM | IST | Mumbai
Agency

ભારતીય મેન્સ હૉકી ટીમ જર્મનીને ૫-૪થી હરાવીને જીતી બ્રૉન્ઝ મેડલ, એક સમયે ૧-૩થી પાછળ રહેલા મનપ્રીતના ધૂરંધરોએ શાનદાર વાપસી કરી ઇતિહાસ સર્જયો

બસમાં સેલ્ફી લઈ રહેલા ભારતીય હૉકી ટીમના કોચ અને હોકી ટીમ.

બસમાં સેલ્ફી લઈ રહેલા ભારતીય હૉકી ટીમના કોચ અને હોકી ટીમ.


ટોક્યો ગેમ્સમાં ભારતીય મેન્સ હૉકી ટીમ જર્મનીને ૫-૪થી હરાવીને ૪૧ વર્ષ બાદ હૉકીમાં મેડલ જીતી હતી. આઠ વખત ગોલ્ડ મેડલ જીતનાર ટીમ છેલ્લા ચાર દાયકાથી આ ગર્વ મેળવવામાં નિષ્ફળ રહી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્રદર્શન તો સુધર્યું હતું, પરંતુ ગઈ કાલે એનું ફળ મળ્યું હતું. હૉકીપ્રેમીઓમાં જે પ્રકારનો ઉત્સાહ હતો એ જોતાં એનું મૂલ્ય બ્રૉન્ઝ કરતાં અનેકગણું હતું. આ સાથે જ ભારત ટોક્યોમાં પોતાનો પાંચમો મેડલ જીત્યું હતું. 
ગઈ કાલની મૅચમાં વિશ્વની ત્રીજા ક્રમાંકની ટીમના સિમરનજિત સિંહે ૧૭ અને ૩૪મી મિનિટે, હાર્દિક સિંહે ૨૭મી મિનિટે, હરમનપ્રીત સિંહે ૨૯મી મિનિટે અને રૂપિન્દર પાલ સિંહે ૩૧મી મિનિટે ગોલ કર્યો હતો. જર્મની તરફથી તિમિર ઓરુઝે બીજી મિનિટે, નિકલસ વેલને ૨૪મી મિનિટે, બેનેડિક્ટ ફર્કે ૨૫મી મિનિટે  અને લુકાસ વિન્ડફેડરે ૪૮મી મિનિટે ગોલ કર્યો હતો. ભારતે આ મૅચમાં શાનદાર વાપસી કરી હતી, કારણ કે એક સમયે એ જર્મની કરતાં ૧-૩થી પાછળ હતું. મૅચ પત્યા બાદ મેદાનમાં કૅપ્ટન મનપ્રીત સિંહ અને કોચ ગ્રેહામ રીડની ટીમના ખેલાડીઓમાં ખુશીના આંસુ આવી ગયાં હતાં. ઑલિમ્પિક્સમાં ભારતનો આ ત્રીજો બ્રૉન્ઝ મેડલ હતો. આમ દેશે કુલ ૧૨ ઑલિમ્પિક મેડલ હૉકીમાં મેળવ્યા છે, જે પૈકી ૮ ગોલ્ડ છે. જર્મની માટે આ દુખદ ક્ષણ હતી, કારણ કે અગાઉ ૨૦૧૬ના રિયોમાં તેમણે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો. 


મેડલ કોરોના વૉરિયર્સને સમર્પિત : મનપ્રીત સિંહ
હૉકીમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમના કૅપ્ટન મ​નપ્રીત સિંહે આ વિજય કોરોના મહામારી સામે સતત લડનાર ડૉક્ટરો અને હેલ્થ વર્કર્સને સમર્પિત કર્યો છે. જર્મની સામે વિજય મેળવ્યા બાદ તેણે કહ્યું હતું કે ‘મને ખબર નથી પડતી કે શું કહું. અમે એક સમયે ૩-૧થી પાછળ હતા. અમે આ મેડલને લાયક હતા એથી જીત્યા. છેલ્લા ૧૫ મહિના અમારા માટે ભારે કઠિન હતા. અમે બધા બૅન્ગલોરમાં હતા. કેટલાકને કોરોના થયો પણ હતો. આ મેડલ હું દેશના ડૉક્ટર્સ અને ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સને સમર્પિત કરુ છું, જેમણે દેશમાં ઘણા લોકોના જીવ બચાવ્યા છે.’



ગોલપોસ્ટ પર કેમ ચડ્યો શ્રીજેશ?


જર્મની સામે જીત મળ્યા બાદ જ્યારે અન્ય ખેલાડીઓ એકબીજાને ભેટી રહ્યા હતા ત્યારે શ્રીજેશ ગોલપોસ્ટ પર ચડી ગયો હતો. આ સંદર્ભના સવાલનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે ‘મારા માટે ગોલપોસ્ટ જ સર્વસ્વ છે. મેં મારું આખું જીવન આની આપસાસ વિતાવ્યું છે. હું એ દેખાડવા માગતો હતો કે આ ગોલપોસ્ટનો માલિક હું છું. શ્રીજેશે આ મૅચમાં પણ કેટલાક શાનદાર ગોલ બચાવ્યા હતા. તેણે કહ્યું કે ‘આજે હું બધું જ કરવા તૈયાર હતો. આ ૬૦ મિનિટ મહત્ત્વની હતી. હું ૨૧ વર્ષથી હૉકી રમી રહ્યો છું. મારા તમામ અનુભવનો નિચોડ મેં આ ૬૦ મિનિટમાં ઠાલવી દીધો હતો.’ શ્રીજેશ કંઈકેટલીય વખત ટીમ માટે સંકટમોચક સાબિત થયો હતો. જીત મેળવ્યા બાદ તેણે પપ્પાને ફોન કરીને કહ્યું હતું કે ‘અમારો આ મેડલ તમારે માટે છે.’

પંજાબના દરેક ખેલાડીને મળશે એક કરોડ રૂપિયા

પંજાબના સ્પોર્ટ્સ મિનિસ્ટર રાણા ગુરમિત સિંહ સોઢીએ કહ્યું હતું કે ભારતીય હૉકીના આ ઐતિહાસિક દિવસે પંજાબના દરેક ખેલાડીને એક કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. અમે તમારા પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છીએ.’ હૉકી ટીમમાં અત્યારે પંજાબના ૧૦ ખેલાડીઓ છે. 

બેલ્જિયમ જીત્યું ગોલ્ડ
સેમી ફાઇનલમાં ભારતને હરાવનાર બેલ્જિયમ ગઈ કાલે પેનલ્ટી શૂટઆઉટમાં ઑસ્ટ્રેલિયાને ૩-૨થી હરાવીને ગોલ્ડ જીત્યું હતું. એ પહેલાં બન્ને વચ્ચે રમાયેલી ફાઇનલ ૧-૧થી બરોબરી પર રહી હતી. આમ હૉકીમાં ૧૭ વર્ષ બાદ ગોલ્ડ જીતવાની તક ઑસ્ટ્રેલિયા ચૂકી ગયું હતું. 

હૉકીમાં ભારતના ૧૨ મેડલ
વર્ષ    મેડલ
૧૯૨૮    ગોલ્ડ
૧૯૩૨    ગોલ્ડ
૧૯૩૬    ગોલ્ડ
૧૯૪૮    ગોલ્ડ
૧૯૫૨    ગોલ્ડ
૧૯૫૬    ગોલ્ડ
૧૯૬૦     સિલ્વર
૧૯૬૪    બ્રૉન્ઝ
૧૯૬૮    બ્રૉન્ઝ
૧૯૭૨     બૉન્ઝ
૧૯૮૦    ગોલ્ડ
૨૦૨૧    બ્રૉન્ઝ

કોણે શું કહ્યું?
ગઈ કાલે બ્લુ જર્સીએ કમાલ કરી દીધી. તમારો આ વિજય આ‍વનારી પેઢી માટે પ્રેરણાત્મક રહેશે. 
ભવિષ્ય માટે શુભકામના. - નવીન પટનાઈક, ઓડિશાના મુખ્ય પ્રધાન
સમગ્ર દેશ તેમની આ ઉપલબ્ધિ પર ખુશ છે. લાંબા સમયની આતુરતાનો હવે અંત આવ્યો છે. - અભિનવ બિન્દ્રા, ભૂતપૂર્વ શૂટર
સમગ્ર ટીમને અભિનંદન. શ્રીજેશે જે છેલ્લી ક્ષણોમાં ગોલ બચાવ્યો એ અદ્ભુત હતો. - સચિન તેન્ડુલકર, ભૂતપૂર્વ ક્રિકેટર

મહિલા ટીમ માટે આજે  મેડલ જીતવાની તક
હૉકીમાં ભારતીય મહિલા ટીમે સેમી ફાઇનલમાં પ્રવેશીને ઇતિહાસ રચ્યો હતો. જોકે એ મૅચમાં તે આર્જેન્ટિના સામે ૧-૨થી હારી ગઈ હતી. આજે સવારે ૭ વાગ્યે બ્રૉન્ઝ મેડલ માટે તે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે. કૅપ્ટન રાની રામપાલના નેતૃત્વવાળી ટીમ પાસે ભારતવાસીઓને ઘણી આશા છે.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2021 12:53 PM IST | Mumbai | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK