ઑલિમ્પિક ચૅમ્પિયન બેલ્જિયમ જો મેન્સ હૉકી વર્લ્ડ કપમાં સતત બીજી વખત જીતનાર ચોથી ટીમ બનવા માગે છે.
પ્રતીકાત્મક તસવીર
હૉકી વર્લ્ડ કપમાં જર્મનીને હરાવી બીજી વાર જીતવા માગશે બેલ્જિયમ
ઑલિમ્પિક ચૅમ્પિયન બેલ્જિયમ જો મેન્સ હૉકી વર્લ્ડ કપમાં સતત બીજી વખત જીતનાર ચોથી ટીમ બનવા માગે છે, તો એણે ભુવનેશ્વરમાં રમાનારી ફાઇનલમાં જર્મનીની વાપસી કરવાના અભિગમથી સાવધ રહેવું પડશે. અત્યાર સુધી પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને જર્મની જ સતત બે વખત વર્લ્ડ કપ જીતી શક્યું છે. છેલ્લા એક દાયકાથી હૉકીમાં પોતાની હાજરી નોંધાવનાર બેલ્જિયમ આ યાદીમાં પોતાને સામેલ કરવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. એ આ કલિંગ સ્ટેડિયમમાં ૨૦૧૮માં ટાઇટલ જીત્યું હતું. ગયા વર્ષે ટોક્યો ઑલિમ્પિકમાં એ ગોલ્ડ મેડલ જીત્યું હતું. આ ટીમમાં ખામી કાઢવી બહુ મુશ્કેલ છે.
ઑસ્ટ્રેલિયામાં પણ ટેસ્ટ અને વન-ડે માટે અલગ કોચની માગણી
ભૂતપૂર્વ સ્પિનર સ્ટીવ ઓકીફેએ ઑસ્ટ્રેલિયાના ભારતના ટેસ્ટ અને વન-ડે પ્રવાસ પહેલાં બન્ને ફૉર્મેટ માટે અલગ-અલગ કોચની તરફેણ કરી છે. એને કારણે એક વ્યક્તિ પરથી ભાર ઘટાડી શકાય. ગયા વર્ષે જસ્ટિન લૅન્ગરને બદલે ઍન્ડ્રુ મૅક્ડોનલ્ડને તમામ ફૉર્મેટના કોચ બનાવ્યા હતા. ઓકીફેના મતે બે કોચનું મૉડલ જો ઇંગ્લૅન્ડ માટે કામ કરી શકે તો ઑસ્ટ્રેલિયા માટે કેમ નહીં? ઇંગ્લૅન્ડે બ્રૅન્ડન મૅક્લમને કોચ બનાવ્યા બાદ ટેસ્ટમાં છેલ્લી ૧૦ પૈકી ૯માં જીત મેળવી હતી, જ્યારે મૅથ્યુ મોટના માર્ગદર્શન હેઠળ ગયા વર્ષે એ ઑસ્ટ્રેલિયામાં આયોજિત ટી૨૦ વર્લ્ડ કપ પણ જીત્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: હૉકીમાં સ્પેને મલેશિયાને હરાવ્યું
ડબ્લ્યુપીએલ માટે મગાવાઈ ટાઇટલ સ્પૉન્સરશિપની બિડ
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ૨૦૨૩થી ૨૦૨૭ સુધીનાં પાંચ વર્ષ માટે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)ના ટાઇટલ સ્પૉન્સરશિપ માટે બિડ મગાવી છે. બોર્ડે ડબ્લ્યુપીએલની પાંચ ફ્રૅન્ચાઇઝી માલિકી અને સંચાલનના અધિકારીની સફળતાપૂર્વક સોંપણી કર્યા બાદ આ ઘોષણા કરી છે. ક્રિકેટ બોર્ડના ૧૬ જાન્યુઆરીએ પાંચ વર્ષ માટે ગ્લોબલ ટેલિવિઝન રાઇટ્સ અને ગ્લોબલ ડિજિટલ રાઇટ્સ વાયકૉમ૧૮ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે ૯૫૧ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.