સેમી ફાઇનલમાં હારતાં રડી પડી સેરેના
ટેનિસજગતની દિગ્ગજ મહિલા પ્લેયર સેરેના વિલિયમ્સ માટે ૨૪મું ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતવાની વધુ એક તક હાથમાંથી સરી ગઈ હતી. ઑસ્ટ્રેલિયન ઓપનમાં જપાનની નાઓમી ઓસાકાએ સેરેનાને ૩-૬, ૪-૬થી હરાવીને ટુર્નામેન્ટની બહાર કરી દીધી હતી અને પોતે મહિલા એકલ વર્ગની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
પોતાના પહેલા બાળકના જન્મ બાદ આ સેરેનાનો ૧૧મો ગ્રૅન્ડ સ્લૅમ મુકાબલો હતો. ૨૦૧૮ ઑસ્ટ્રેલિયન ઓપનમાં પોતે બરાબર તૈયારી કરી ન હોવાનું કહીને તેણે પોતાનું નામ ટુર્નામેન્ટમાંથી પાછું ખેંચી લીધું હતું. મૅચ પછીની પ્રેસ-કૉન્ફરન્સમાં સેરેનાને પૂછવામાં આવ્યું હતું કે તને સતત મળેલી હાર શું તારી ઑસ્ટ્રેલિયન ઓપનમાંથી ફેરવેલ તરફ અંગુલિનિર્દેશ કરી રહી છે. એનો જવાબ આપતાં સેરેનાએ કહ્યું કે ‘મને નથી ખબર. જો મારે ફેરવેલ લેવું હશે તો હું કોઈને નહીં કહું. મેં બધું પતાવી દીધું છે. મેં આજે મૅચમાં ઘણી ભૂલો કરી હતી. એક સમયે મારી પાસે તક હતી, પણ મારા માટે આજનો દિવસ ભૂલોથી ભરેલો હતો. મને ખુશી છે કે આખી ટુર્નામેન્ટમાં હું સારું રમી છું. જે પણ ભૂલો કરી એ બધી સામાન્ય ભૂલો હતી. મેલબર્ન અને ઑસ્ટ્રેલિયનના ચાહકોનો હું આભાર માનું છું.’
ADVERTISEMENT
સામા પક્ષે સેરેનાને હરાવી અપસેટ સર્જનાર નાઓમી ઓસાકાએ કહ્યું હતું કે સેરેનાને હરાવવું મારે માટે સપના જેવું છે અને નાનપણથી હું સેરેનાને કોર્ટમાં રમતી જોતી આવી છું.