ગઈ કાલે હૉન્ગકૉન્ગને સેમી ફાઇનલમાં અને ઈરાનને ફાઇનલમાં હરાવીને ભારત આઠમી વખત બન્યું ચૅમ્પિયન
ભારતની કબડ્ડી ટીમ
પવન સેહરાવતના સુકાનમાં ભારતની કબડ્ડી ટીમે ગઈ કાલે સાઉથ કોરિયાની એશિયન કબડ્ડી ચૅમ્પિયનશિપની ફાઇનલમાં ઈરાનને ૪૨-૩૨થી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. ભારત ૯માંથી ૮ વખત આ સ્પર્ધામાં ચૅમ્પિયન બન્યું છે. ઈરાન ૨૦૦૩માં (૨૦ વર્ષ પહેલાં) ટ્રોફી જીત્યું હતું.
ગઈ કાલે ફાઇનલ પહેલાં ભારતે હૉન્ગકૉન્ગને છેલ્લા લીગ મુકાબલામાં ૬૪-૨૦થી હરાવ્યું હતું.
ADVERTISEMENT
ઈરાન સામેની ફાઇનલની શરૂઆતની પાંચ મિનિટમાં ભારતીયો ઈરાનથી પાછળ હતા, પરંતુ ડિફેન્ડર્સે મેળવેલા કેટલાક ટેકલ પૉઇન્ટ્સ અને સેહરાવત તથા અસલમ ઈનામદારના સફળ રેઇડને કારણે ભારતે સરસાઈ લેવાની શરૂઆત કરી હતી અને પછી ઈરાનની ટીમ પર પ્રેશર વધારતા રહીને છેવટે એની સામે રોમાંચક વિજય મેળવ્યો હતો.
ખાસ કરીને અસલમે મૅચની છેલ્લી ક્ષણોમાં ભારતીય ટીમને ઑલઆઉટ થતી રોકીને તેમ જ કુલ ૧૦ પૉઇન્ટ મેળવીને ભારતને ચૅમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
ભારતીય ટીમમાં અર્જુન દેશવાલ, સુરજિત સિંહ, પરવેશ મલિક, નીતેશ કુમાર અને નીતિન રાવલનો પણ સમાવેશ હતો.
હવે સપ્ટેમ્બરમાં ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતીયો ગોલ્ડ મેડલ જીતવા માગે છે.
૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ઈરાન ભારતને સેમી ફાઇનલમાં હરાવ્યા પછી સુવર્ણચંદ્રક જીત્યું હતું.

