૨૩ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર અમેરિકાની મહિલા ખેલાડીનું ધ્યાન હવે બીજા બાળક તેમ જ બિઝનેસ પર છે
સેરેના વિલિયમ્સ
૨૩ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે કહ્યું કે હું હવે ટેનિસથી દૂર થઈ રહી છું. મારું ધ્યાન બીજા બાળક તેમ જ મારા બિઝનેસ પર છે. ગઈ કાલે અમેરિકાના ‘વૉગ’ મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે આ વાત કરી હતી. તેણે કહ્યું કે ‘આ મહિનામાં હું ૪૧ વર્ષની થઈશ. તમારે કંઈક તો છોડવાનું હોય. રિટાયરમેન્ટ શબ્દ મને ગમતો નથી, પરંતુ જીવનના આ તબક્કે હું ટેનિસથી દૂર થઈ રહી છું. મારા માટે જીવનમાં અન્ય વસ્તુઓ વધુ મહત્ત્વની છે.’
સેરેના વિલિયમ્સ હાલમાં ટૉરોન્ટોમાં રમી રહી છે. ત્યાર બાદ ન્યુ યૉર્કમાં ૨૯ ઑગસ્ટથી ચાલુ થનાર યુએસ ઓપનમાં રમશે. અત્યારે રમી રહેલા અન્ય કોઈ પણ મહિલા કે પુરુષ ખેલાડી કરતા વધુ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ તે જીતી છે. માત્ર માર્ગોરેટ કોર્ટ ૨૪ ટાઇટલ જીતી છે. સોમવારે ટૉરોન્ટોમાં રમાયેલી મૅચમાં તેણે નુરીયા પૅરિઝાસ-ડાયઝ સામે ૬-૩, ૬-૪થી વિજય મેળવ્યો હતો. ૨૦૨૧ની ફ્રેન્ચ ઓપનમાં મળેલા વિજય બાદ આ તેનો પહેલો વિજય હતો.