૨૦૨૩ના વર્ષની આ મૅરથૉનનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતેથી આરંભ થશે
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પ્રોકેમ ઇન્ટરનૅશનલ દ્વારા બુધવારે આગામી મુંબઈ મૅરથૉન માટેના રજિસ્ટ્રેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. તસવીર સમીર માર્કન્ડે
બે વર્ષના સમયગાળા બાદ મુંબઈ મૅરથૉનનું ફરી આયોજન થવાનું છે. ૧૮મી મુંબઈ મૅરથૉન આગામી ૧૫ જાન્યુઆરીએ યોજાશે એવી જાહેરાત વર્લ્ડ ઍથ્લેટિક્સ એલીટ રોડ રેસ તરીકે ઓળખાતી આ રેસના પ્રમોટર્સ પ્રોકેમ ઇન્ટરનૅશનલના જણાવ્યા મુજબ ફિઝિકલ અને વર્ચ્યુઅલ રેસ માટેનાં રજિસ્ટ્રેશન ગઈ કાલથી શરૂ થઈ ગયાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન અને ટાટા મુંબઈ મૅરથૉનના ચીફ પેટ્રન એકનાથ શિંદેએ બુધવારે આ મૅરથૉનને શહેરના અને દેશના ગૌરવ તરીકે ઓળખાવીને રજિસ્ટ્રેશનના આરંભની જાહેરાત કરી હતી. ૨૦૨૩ના વર્ષની આ મૅરથૉનનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતેથી આરંભ થશે. આ સીઝન માટે હાફ મૅરથૉનમાં મર્યાદિત સંખ્યામાં એન્ટ્રીઓ શારીરિક રીતે અક્ષમ વ્યક્તિઓ માટે રિઝર્વ્ડ રાખવામાં આવશે.