દીપા કર્માકરની ટેસ્ટ ઇન્ટરનૅશનલ જિમ્નૅસ્ટિક્સ ફેડરેશન માટે કામ કરતી ઇન્ટરનૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૨૦૨૧ની ૧૧ ઑક્ટોબરના રોજ કરવામાં આવી હતી
દીપા કર્માકર
પ્રતિબંધિત દવાના સેવન બદલ ૨૧ મહિનાના પ્રતિબંધનો સામનો કરી રહેલી જિમ્નૅસ્ટ દીપા કર્માકરે કહ્યું હતું કે તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધના કેસનો ઝડપથી ઉકેલ આવે એ માટે મેં આ કામચલાઉ પ્રતિબંધનો સ્વીકાર કર્યો છે. જોકે દીપાએ એવો દાવો કર્યો હતો કે તેણે હિજેનામાઇનલ-એસ૩ બીટા-૨ નામની પ્રતિબંધિત દવાનું સેવન અજાણતાં કર્યું હતું, જે તેની ડોપ-ટેસ્ટમાં મળી આવ્યું હતું. ઇન્ટરનૅશનલ ફેડરેશન સાથેના કેસનો નિકાલ આવે એ માટે તેણે ડોપિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યાનો સ્વીકાર કર્યો હતો. આ વાત તેણે પોતાના ટ્વિટર હૅન્ડલમાં કરી છે.
દીપા કર્માકરની ટેસ્ટ ઇન્ટરનૅશનલ જિમ્નૅસ્ટિક્સ ફેડરેશન માટે કામ કરતી ઇન્ટરનૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૨૦૨૧ની ૧૧ ઑક્ટોબરના રોજ કરવામાં આવી હતી. ઍન્ટિ-ડોપિંગ એજન્સી દ્વારા જણાવાયું હતું કે કેટલી પરંપરાગત દવાઓમાં આ પ્રતિબંધિત દવાનો ઉપયોગ એના નામના ઉલ્લેખ વગર જ કરવામાં આવતો હોય છે. આ દવાનો ઉપયોગ સ્પર્ધામાં અને સ્પર્ધા ન હોય એવા સમયે પણ પ્રતિબંધિત છે. ૨૯ વર્ષની દીપાએ ૨૦૧૬ના રિયો ઑલિમ્પિક વોલ્ટ ઇવેન્ટમાં ચોથો ક્રમાંક મેળવીને ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ૨૦૧૭માં તેણે એક સર્જરી કરાવી હતી, ત્યાર બાદ તેેણે ઘણી ઈજાઓ સાથે સંઘર્ષ કર્યો હતો. તેની છેલ્લી ઇવેન્ટ ૨૦૧૯માં બાકનો વર્લ્ડ કપ હતો. તેના પર મૂકવામાં આવેલો પ્રતિબંધ આ વર્ષે ૧૦ જુલાઈના રોજ પૂરો થશે. ૧૧ ઑક્ટોબરથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડોપિંગ-કેસ સામેની લડાઈને દીપાએ તેના જીવનની સૌથી અઘરી લડાઈ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે ‘મને એ પણ ખબર નહોતી કે આ પ્રતિબંધિત ડ્રગ મારા શરીરમાં કઈ રીતે પ્રવેશ્યું. મેં ૨૦૧૭ અને ૨૦૧૯માં બે સર્જરી કરાવી હતી. હું મેદાન પર મજબૂત રીતે પાછી ફરવા માગું છું.’