ક્રોએશિયા ૨૦૧૮માં રનર-અપ રહ્યું ત્યાર બાદ આ વખતે ત્રીજા સ્થાને આવતાં સિલ્વર પછી હવે બ્રૉન્ઝ મેડલ જીત્યું છે
વાલીદ રેગ્રાગુઇ
ક્રોએશિયા સામે વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન માટે રમાયેલી મૅચમાં મૉરોક્કો ૧-૨થી હાર્યા છતાં એના કોચ વાલીદ રેગ્રાગુઇએ ટીમની ઘણી પ્રશંસા કરી છે. પહેલા હાફમાં ક્રોએશિયાએ કરેલા બન્ને ગોલને કારણે અને ઈજાને કારણે ડિફેન્સ નબળું પડી જતાં મૉરોક્કોની ટીમ હારી ગઈ હતી. ક્રોએશિયા ૨૦૧૮માં રનર-અપ રહ્યું ત્યાર બાદ આ વખતે ત્રીજા સ્થાને આવતાં સિલ્વર પછી હવે બ્રૉન્ઝ મેડલ જીત્યું છે. ક્રોએશિયા વતી ગ્વાર્ડિયૉલ (૭મી મિનિટ) અને ઑર્સિચે (૪૨મી મિનિટ) ગોલ કર્યો હતો. મૉરોક્કોનો એકમાત્ર ગોલ ડારી (૯મી મિનિટ)એ કર્યો હતો.
મૉરોક્કોની ટીમ વર્લ્ડ કપનાં છેલ્લાં ચાર સ્થાનમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. એના કોચે કહ્યું કે અમે થોડા નિરાશ છીએ, પરંતુ અમને પછીથી ખરો ખ્યાલ આવશે કે અમે શું મેળવ્યું છે. અમે ક્રોએશિયા સામે બે વખત રમ્યા છીએ. બેલ્જિયમ, કૅનેડા, સ્પેન અને પોર્ટુગલને હરાવ્યું છે. જો અમે ભવિષ્યમાં વધુ મહેનત કરીશું તો અમારું ભાવિ ઉજ્જ્વળ છે. અમે બાળકોને વિશ્ર્વકપની ટ્રોફીનું સપનું જોવાની છૂટ આપી છે. આગામી વર્લ્ડ કપમાં આફ્રિકાની ઘણી ટીમો હશે. મને ખાતરી છે કે આગામી ૧૫ વર્ષમાં આફ્રિકાની એક ટીમ વર્લ્ડ કપ જીતશે.’