ભાલાફેંકનો વર્લ્ડ ચૅમ્પિયન નીરજ ચોપડા ઝુરિકની ડાયમન્ડ લીગ મીટમાં પણ પરચો બતાવવા સજ્જ
નીરજ ચોપડા
હંગેરીના બુડાપેસ્ટમાં રવિવારે વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ભાલાફેંકની સ્પર્ધામાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતીને ભારતને અનેરું ગૌરવ અપાવનાર પચીસ વર્ષનો નીરજ ચોપડા ત્રણ દિવસ બાદ હવે આજે ઝુરિકની ડાયમન્ડ લીગ મીટ (મધરાત બાદ ૧૨.૧૨ વાગ્યે)માં વિશ્વના ટોચના હરીફો વચ્ચે ફરી એક વાર શક્તિનો પરચો બતાવવા તૈયાર થઈ ગયો છે.
નીરજે વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ભાલો સૌથી દૂર (૮૮.૧૭ મીટર) ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. તે ઑલિમ્પિક્સ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ચૅમ્પિયન બનેલો વિશ્વનો માત્ર ત્રીજો ઍથ્લીટ છે.
ADVERTISEMENT
નીરજ બે ડાયમન્ડ લીગ જીતી ચૂક્યો છે
ડાયમન્ડ લીગ વાર્ષિક સ્પર્ધા છે. એમાં તબક્કાવાર લીગ સ્પર્ધા યોજાય છે અને એમાં ટોચના છ સ્થાને આવનાર ઍથ્લીટને ફાઇનલમાં જવાનો મોકો મળે છે. આજે ઝુરિકમાં યોજાનારી મીટ આ સીઝનની આખરી મીટ છે અને ત્યાર પછી ફાઇનલ ૧૬-૧૭ સપ્ટેમ્બરે અમેરિકામાં યોજાશે અને એ જીતનાર ઍથ્લીટ ડાયમન્ડ લીગ ચૅમ્પિયન તરીકે ઓળખાશે. નીરજ ચોપડા ૨૦૨૨માં ડાયમન્ડ ચૅમ્પિયન બન્યો હતો. તે વર્તમાન ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં અત્યારે ૧૬ પૉઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે પહેલી બે ડાયમન્ડ લીગ મીટ જીતી લીધી હતી, પરંતુ જુલાઈની ત્રીજી મીટમાં તેણે ભાગ નહોતો લીધો. હાલમાં ૮૯.૯૪ મીટર નીરજનો નૅશનલ રેકૉર્ડ છે. આજની ઝુરિકની સ્પર્ધામાં પાકિસ્તાનનો વિશ્વસ્પર્ધાનો સિલ્વર મેડલિસ્ટ અર્શદ નદીમ નહીં જોવા મળે.
શ્રીશંકર લૉન્ગ જમ્પમાં ભાગ લેશે
લૉન્ગ જમ્પમાં ભારતનો ટોચનો ઍથ્લીટ મુરલી શ્રીશંકર આજે ડાયમન્ડ લીગ મીટની હરીફાઈમાં ભાગ લેશે. તે ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં ત્રીજા નંબરે છે. તે વધુમાં વધુ ૮.૪૧ મીટર લાંબો કૂદકો મારી ચૂક્યો છે. તે તાજેતરની વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ફર્સ્ટ રાઉન્ડમાં ક્વૉલિફાય નહોતો થઈ શક્યો.