સૅમ અને ટૉમ કરૅનનો ભાઈ બેન કરૅન ડેબ્યુ-મૅચમાં ૧૫ રન બનાવી શક્યો
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
હરારેમાં ગઈ કાલે ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થઈ હતી. પહેલી વન-ડેમાં ટૉસ હારીને બૅટિંગ કરવા ઊતરેલી યજમાન ટીમ ઝિમ્બાબ્વેની અડધી ટીમ ૯.૨ ઓવરમાં ૪૪ રન બનાવીને પૅવિલિયનમાં પહોંચી ગઈ હતી. મીડિયમ ફાસ્ટ બોલર અઝમતુલ્લા ઓમરઝાઈએ અફઘાનિસ્તાન માટે ૪.૨ ઓવરમાં ૧૮ રન આપીને ૪ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.
ઇંગ્લૅન્ડના સૅમ અને ટૉમ કરૅનનો ભાઈ બેન કરૅને પોતાના પપ્પાનો દેશ ઝિમ્બાબ્વે તરફથી પહેલી વાર ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ઓપનિંગ માટે ઊતરેલા આ ૨૮ વર્ષના ક્રિકેટરે બાવીસ બૉલમાં એક ચોગ્ગાની મદદથી ૧૫ રનની જ ઇનિંગ્સ રમી હતી. ૧૯ અને ૨૧ ડિસેમ્બરે સિરીઝની બાકીની વન-ડે મૅચ રમાશે. આ પહેલાં અફઘાનિસ્તાને યજમાન ટીમ સામે ૨-૧થી T20 સિરીઝ જીતી છે.