પહેલા દિવસે પહેલી ઇનિંગ્સમાં ઝિમ્બાબ્વેનો સ્કોર ૬/૦, અફઘાનિસ્તાન હજી પણ ૧૫૧ રન આગળ
પહેલી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર રહમત શાહ ગઈ કાલે માત્ર ૧૯ રનમાં સિકંદર રઝાના બૉલમાં બોલ્ડ થઈ ગયો હતો.
૧૯૯૨માં ઝિમ્બાબ્વેની ટીમે ભારત સામેની મૅચથી ટેસ્ટ-ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. ટેસ્ટ-ઇતિહાસમાં પહેલી વાર ઝિમ્બાબ્વેની ધરતી પર ન્યુ યર ટેસ્ટ-મૅચ રમાઈ રહી છે. અફઘાનિસ્તાન સામે બીજી અને અંતિમ ટેસ્ટ-મૅચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી પણ વરસાદને કારણે પહેલા દિવસે ૪૭.૩ ઓવરની જ રમત રમાઈ હતી.
પહેલી ટેસ્ટમાં પોતાનો ૬૯૯ રનનો હાઇએસ્ટ સ્કોર કરનારી અફઘાનિસ્તાનની ટીમ ૪૪.૩ ઓવરમાં ૧૫૭ રન બનાવી ઑલઆઉટ થઈ હતી. જવાબમાં દિવસના અંતે ઝિમ્બાબ્વેની ટીમે ત્રણ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર ૬ રન બનાવ્યા હતા. અફઘાની ટીમ હજી આ મૅચમાં ૧૫૧ રન આગળ છે. ઝિમ્બાબ્વેના મીડિયમ ફાસ્ટ બોલર ન્યુમૅન ન્યામહુરી અને સ્પિનર સિંકદર રઝાએ ૩-૩ વિકેટ ઝડપી હતી. હશમતુલ્લાહ શાહિદી અફઘાનિસ્તાન માટે સૌથી વધુ પાંચ ટેસ્ટ-મૅચમાં કૅપ્ટન્સી કરનારો કૅપ્ટન બન્યો છે.