કાનપુર ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૭૨ રન અને બીજી ઇનિંગ્સમાં ૫૧ રનની ઇનિંગ્સ રમીને ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. તેણે પોતાની અગિયારમી ટેસ્ટ-મૅચમાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગના એક રેકૉર્ડની બરાબરી કરી છે
યશસ્વી જાયસવાલે બંગલાદેશ સામેની સિરીઝમાં ત્રણ ફિફ્ટી સાથે સૌથી વધુ ૧૮૯ રન ફટકાર્યા.
કાનપુર ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૭૨ રન અને બીજી ઇનિંગ્સમાં ૫૧ રનની ઇનિંગ્સ રમીને ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે. તેણે પોતાની અગિયારમી ટેસ્ટ-મૅચમાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દર સેહવાગના એક રેકૉર્ડની બરાબરી કરી છે. તે ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં ૧૦૦થી વધુના સ્ટ્રાઇક-રેટથી ફિફ્ટી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. આ પહેલાં ૨૦૧૧માં સેહવાગે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ૧૦૦ના સ્ટ્રાઇક-રેટથી બન્ને ઇનિંગ્સમાં ફિફ્ટી ફટકારી હતી.
૪૫ વર્ષ જૂનો આ રેકૉર્ડ તોડ્યો
યશસ્વી એક વર્ષમાં ઘરેલુ ટેસ્ટમાં સૌથી વધુ ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર ભારતીય ખેલાડી બની ગયો છે. આ વર્ષે ઘરેલુ ટેસ્ટમાં તેણે ૫૦થી વધુ રનની ૮ ઇનિંગ્સ રમી છે. વર્ષ ૧૯૭૯માં ગુંડપ્પા વિશ્વનાથે સાત વાર ૫૦થી વધુ રનની ઇનિંગ્સ રમી હતી. સેહવાગ, ચેતેશ્વર પૂજારા અને કે.એલ. રાહુલ પણ એક વર્ષમાં ૭-૭ વાર ૫૦ પ્લસ રનની ઇનિંગ્સ રમીને આ સિદ્ધિની બરાબરી કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ વિશ્વનાથના રેકૉર્ડને તોડવામાં યશસ્વી સફળ રહ્યો હતો.
ADVERTISEMENT
ગાવસકરનો ૫૩ વર્ષ જૂનો રેકૉર્ડ પણ તોડ્યો
વર્ષ ૨૦૨૪માં જાયસવાલે અત્યાર સુધી ૮ મૅચમાં ૬૬.૩૫ની ઍવરેજથી ૯૨૯ ટેસ્ટ-રન બનાવ્યા છે જે ૨૩ વર્ષની ઉંમર પહેલાં ભારત માટે પ્રથમ કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાનો રેકૉર્ડ છે. આ પહેલાં દિગ્ગજ બૅટ્સમૅન સુનીલ ગાવસકરે વર્ષ ૧૯૭૧માં ટેસ્ટમાં ૯૧૮ રન બનાવ્યા હતા. હાલમાં જાયસવાલની ઉંમર બાવીસ વર્ષ અને ૨૭૮ દિવસ છે.