તે ઇન્ટર સ્કૂલ લિમિટેડ ઓવરની ક્રિકેટ મૅચમાં ૫૦૦ કે એથી વધુ રનની ઇનિંગ્સ ફટકારનાર પહેલો ભારતીય બૅટર બની ગયો હતો
યશ ચાવડે
નાગપુરના યશ ચાવડેએ નવો ઇતિહાસ રચ્યો હતો. તેણે મુંબઈ ઇન્ડિયન્સ જુનિયર સ્કૂલ ટુર્નામેન્ટમાં નૉટઆઉટ ૫૦૮ રન બનાવ્યા હતા. શુક્રવારે રમાયેલી ૪૦-૪૦ ઓવરની મૅચમાં યશની ટીમ સરસ્વતી વિદ્યાલયે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૭૧૪ રન બનાવ્યા હતા. જવાબમાં હરીફ સિદ્ધેશ્વર વિદ્યાલયની ટીમ પાંચ ઓવરમાં ૯ રનના સ્કોર પર જ ઑલઆઉટ થઈ ગઈ હતી. યશે ૧૭૮ બૉલમાં ૮૧ ફોર અને ૧૮ સિક્સર ફટકારી હતી. તે ઇન્ટર સ્કૂલ લિમિટેડ ઓવરની ક્રિકેટ મૅચમાં ૫૦૦ કે એથી વધુ રનની ઇનિંગ્સ ફટકારનાર પહેલો ભારતીય બૅટર બની ગયો હતો. આ કૅટેગરીમાં સૌથી વધુ રન કરવાનો વર્લ્ડ રેકૉર્ડ શ્રીલંકાના ચિરથ સેલેપેરુમાના નામ પર છે. તેણે ૨૦૨૨માં શ્રીલંકામાં થયેલી એક અન્ડર-૧૫ મૅચમાં ૫૫૩ રન ફટકાર્યા હતા. સરસ્વતી સ્કૂલમાંથી પણ ઘણા જાણીતા ખેલાડીઓ આવ્યા છે. હાલ વિદર્ભ રણજી ટીમના વર્તમાન કૅપ્ટન ફૈઝ ફેઝલ પણ આ જ સ્કૂલના સ્ટુડન્ટ હતા.