ઑસ્ટ્રેલિયા સામેના જૂનના મુકાબલા માટેની ટીમમાં સૂર્યા, કુલદીપ અને ઈશાન નથી
અજિંક્ય રહાણે
અજિંક્ય રહાણેને જૂન મહિનાના પોતાના ૩૫મા જન્મદિન નિમિત્તે બર્થ-ડે ગિફ્ટ જાણે અત્યારથી મળી ગઈ છે. ૭ જૂને લંડનના ઓવલમાં ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટના વર્લ્ડ કપ ફાઇનલ માટેની ભારતની ટીમમાં ગઈ કાલે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ મૅચના આગલા દિવસે (૬ જૂને) રહાણે જીવનના ૩૬મા વર્ષમાં પ્રવેશ કરશે. ખરેખર તો રહાણેને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની સતત બીજી ફાઇનલમાં રમવાનો મોકો મળવાનો છે. ૨૦૨૧ની ન્યુ ઝીલૅન્ડ સામેની ફાઇનલમાં તેણે ૪૯ અને ૧૫ રન બનાવ્યા હતા.
શ્રેયસ ઐયર ઈજાને કારણે નહીં રમી શકે એટલે ટીમમાં જે ૬ સ્પેશ્યલિસ્ટ બૅટર્સને સમાવાયા છે એમાંનો એક રહાણે છે. રહાણેએ વર્તમાન આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી (૬૧, ૩૧, ૩૭, ૯ અને અણનમ ૭૧) સારું પર્ફોર્મ કર્યું છે અને એ પણ તેના સિલેક્શન માટેનું એક કારણ છે. તેની પાવરપ્લેની બૅટિંગનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે. કલકત્તા સામેની મૅચ-વિનિંગ ઇનિંગ્સ (૭૧*)માં તેણે પાંચ સિક્સર અને છ ફોર ફટકારી હતી.
ADVERTISEMENT
રહાણેના સમાવેશનો મતલબ એ છે કે સૂર્યકુમાર યાદવને હમણાં ટેસ્ટ ટીમમાં કોઈ સ્થાન નથી. રહાણે ભારત વતી છેલ્લે જાન્યુઆરી ૨૦૨૨માં (૧૫ મહિના પહેલાં) ભારત વતી ટેસ્ટમાં રમ્યો હતો. ૨૦૨૦-’૨૧માં ઑસ્ટ્રેલિયામાં ભારતે રહાણેના સુકાનમાં ટેસ્ટ-સિરીઝ જીતી લીધી હતી. રહાણેએ ૮૨ ટેસ્ટમાં ૩૮.૫૨ની સરેરાશે ૪૯૩૧ રન બનાવ્યા છે, જેમાં ૧૨ સેન્ચુરીનો સમાવેશ છે.
ભારતની ટેસ્ટ ટીમમાં કે. એસ. ભરત એકમાત્ર રેગ્યુલર વિકેટકીપર છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની ટીમમાં રાહુલને પડતો મૂકીને શુભમન ગિલને લેવામાં આવ્યો હતો, પણ આ વખતની ટીમમાં તેને સમાવવા પાછળનો હેતુ કદાચ એવો હોઈ શકે કે તેનો સ્ટૅન્ડ-બાય વિકેટકીપર તરીકે ઉપયોગ કરાશે. જસપ્રીત બુમરાહ હજી પીઠની ઈજામાંથી મુક્ત ન થયો હોવાથી તેના પર સિલેક્ટર્સે વિચાર નહોતો કર્યો.
સૂર્યા ઉપરાંત ઈશાન કિશન અને કુલદીપ યાદવને પણ ડ્રૉપ કરવામાં આવ્યા છે.
ભારતની ટેસ્ટ ટીમ : રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે. એલ. રાહુલ, કે. એસ. ભરત (વિકેટકીપર), રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટ.
ટેસ્ટના વર્લ્ડ કપ માટેની ટીમ નક્કી કરનાર કુલ આટલી વ્યક્તિઓમાં પાંચ સિલેક્ટર્સ, બીસીસીઆઇ સેક્રેટરી જય શાહ, કૅપ્ટન રોહિત અને કોચ દ્રવિડનો સમાવેશ હતો.