ફાસ્ટ બોલરનો ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ
World Test Championship
હૅઝલવુડ આ વખતની આઇપીઅેલમાં ત્રણ જ મૅચ રમ્યો અને અેમાં ત્રણ વિકેટ લઈ શક્યો. તસવીર iplt20.com
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જૉશ હૅઝલવુડે ૬ મેએ દિલ્હીમાં તેના જ દેશના ડેવિડ વૉર્નરની વિકેટ લીધી, પણ હવે તે ભારતીય બૅટર્સની વિકેટ લેવા આતુર છે. ૭ જૂને લંડનમાં રમાનારી ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેની ૧૫ પ્લેયર્સની ઑસ્ટ્રેલિયન ટીમમાં ગઈ કાલે તેનો સમાવેશ કરાયો હતો.
હૅઝલવુડ આઇપીએલની આ સીઝનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી રમ્યો હતો. ૬ મેએ તેણે દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન વૉર્નરને તેના બાવીસ રનના સ્કોર પર ડુ પ્લેસીના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બૅન્ગલોરની ગુજરાત ટાઇટન્સ સામેની મસ્ટ-વિન મૅચ પહેલાં ઈજાને કારણે તે ઑસ્ટ્રેલિયા ભેગો થઈ ગયો હતો. હવે તે ઈજામુક્ત થઈ રહ્યો હોવાથી ભારત સામે રમશે એવી સંભાવના છે. હૅઝલવુડને ભારત સામેની ઇલેવનમાં સમાવવા ટીમ-મૅનેજમેન્ટ કોઈ કસર નહીં છોડે, કારણ કે હૅઝલવુડ ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને વિરાટ કોહલીને ઘણી વાર આઉટ કરી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં અત્યાર સુધીમાં પુજારાની છ વખત, રહાણેની પાંચ વખત અને કોહલીની ત્રણ વખત વિકેટ લીધી છે. વિકેટકીપર-બૅટર જૉસ ઇંગ્લિસને ભારત સામેની આ મૅચથી ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મોકો છે. આ વર્ષે ભારત સામે ડેબ્યુ કરનાર ઑફ-સ્પિનર ટૉડ મરફીને પણ ટીમમાં સમાવાયો છે. રોહિત શર્માના સુકાનમાં રમનારી ભારતીય ટીમના સ્ટૅન્ડ-બાય ખેલાડીઓમાં ઋતુરાજ ગાયકવાડને બદલે યશસ્વી જયસ્વાલને સામેલ કરાયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઋતુરાજ પરણશે, ટેસ્ટની ફાઇનલના સ્ટૅન્ડ-બાયમાં તેના સ્થાને યશસ્વી
ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ : પૅટ કમિન્સ (કૅપ્ટન), ડેવિડ વૉર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, કૅમેરન ગ્રીન, ટ્રેવિસ હેડ, ઍલેક્સ કૅરી (વિકેટકીપર), જૉસ ઇંગ્લિસ (વિકેટકીપર), જૉશ હૅઝલવુડ, સ્કૉટ બૉલેન્ડ, મિચલ સ્ટાર્ક, માર્કસ હૅરિસ, નૅથન લાયન, ટૉડ મરફી. અનામત ખેલાડીઓ : મિચલ માર્શ, મૅથ્યુ રેન્શો.
ઇલિંગવર્થ અને કેટલબરો સતત બીજી વાર ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં અમ્પાયર નિયુક્ત : ધર્મસેના ફૉર્થ અમ્પાયર
આગામી ૭-૧૧ જૂન દરમ્યાન લંડનમાં ઓવલના ગ્રાઉન્ડમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે જે અલ્ટિમેટ ટેસ્ટ (ડબ્લ્યુટીસી ફાઇનલ) રમાશે એ માટે ઑન-ફીલ્ડ અમ્પાયર્સ તરીકે ન્યુ ઝીલૅન્ડના ક્રિસ ગૅફની અને ઇંગ્લૅન્ડના રિચર્ડ ઇલિંગવર્થની પસંદગી કરાઈ છે. ઇલિંગવર્થની આ સતત બીજી ડબ્લ્યુટીસી ફાઇનલ છે. ૨૦૨૧માં ભારત-ન્યુ ઝીલૅન્ડની ફાઇનલમાં પણ તેમણે અમ્પાયરિંગ કર્યું હતું. એમાં ન્યુ ઝીલૅન્ડનો વિજય થયો હતો. ઇંગ્લૅન્ડના રિચર્ડ કેટલબરો પણ ૨૦૨૧ની ફાઇનલમાં ટીવી અમ્પાયર (થર્ડ અમ્પાયર) હતા અને આ વખતે પણ એ હોદ્દા પર તેમની નિયુક્તિ કરાઈ છે. કુમાર ધર્મસેના ફૉર્થ અમ્પાયર છે અને રિચી રિચર્ડસન મૅચ રેફરી છે.